નાનપણ ની સોનેરી યાદો

ગામનું નામ લેતા અમને સાચેજ બાળપણ સાંભરે.
મનમાં યાદોના મહાસાગર ઊમડે, નાનપણ ની એ સોનેરી યાદો કેમેય ભુલાતી નથી અને સેંકડો દ્રશ્યો જાણે આંખો સામે તરવરી ઊઠે છે. જેમ કે; પાદરની એ પીપરો કે જ્યાં વેકેશનમાં ચટણી—મીઠાં હારે ખવાતા કોલ હોય,

પીપરના કૂણા લીલાછમ્મ પત્તામાં ચટણી મીઠું ભરીએ, અને પછી જાણે બનારસી પાન ખાતા હોય એમ ગલોફામાં ચડાવીએ. પાંદડાંનું ગળપણ, લાલ ચટણીની તમતમતી તિખાસ, અને માથે મીઠાની ખારાશ  આ ત્રિવિધ રસાસ્વાદની મજા એટલેજ બાળપણનો મહામૂલો જલ્સો.!

ક્યારેક જો મેળ પડી જાય તો ગામથી ઢુકડી કોકની વાડીયે આંબલીના કોલ અને કાતરા ખાવાય પોગી જાઈ, પણ એમાય ઘણી સાવચેતી રાખવી પડે.  જેમકે વાડીનો માલિક હાજર નો હોવો જોય. નહીતર મેળનો પડે..!

ખાસ કરીને બપોર ના ટાંણે અમે ચારેક બાળગોઠીયા રેઢી આંબલી પર હલ્લો બોલાવીએ. ગામથી નજીકમાં ગણીને ત્રણેક આંબલીઓ માંડ હતી. એટલે મર્યાદીત ઓપ્શનમાં જ કામકાઢવું પડે. ક્યારેક તો આંબલીના કોલ ખાવાના ઓરતાં મનમાં જ ઢબૂરી ને વિલા મોઢે પાછાય આવવું પડે.

અમુક ટ્રીક પણ  વાપરવામાં આવતી કે વાડી નો માલિક જો ઘરે હોય તો અમારુ કામ ઘણું આસાન રીતે પાર પડી શકે. એટલે સૌ પ્રથમ એમના ઘરની આસપાસ ફેરી મારીએ. ઘરમાં થતી  બોલચાલ પરથી  જાણી લઈએ કે વાડી માલિક છે તો ઘરમાંજ. ત્યારબાદ જ અમારી કોલ—પ્રિય મંડળી એમની વાડી તરફ પ્રયાણ કરે. અને આમેય અમારો વિસ્તાર પાણીની તંગી વાળો  એટલે ખરા ઉનાળે વાડીએ કોણ હોય. ??


બીજી સોનેરી યાદો માંડીએ તો ;—નિહાળના એ દિવસો જેમા ફક્ત પાટી ને વતણું થેલી માં નાખીને એકડીયું.... બગડીયું ભણવા જાતા હોય, મારા છએક સહપાઠી ભેરુઓ હતા. અહિં એના નામો આપવાની લાલચ રોકી શકતો નથી. જેમાં જયેશ ગજેરા, નરેશ ડાવરા, દિનેશ આસોદરીયા, ભરત ને મહેશ નાકરાણી,


ઘરે જ તૈયાર કરેલું તેલ માથામાં ચોપડ્યું હોય. તેલની અતિ ચિકાશ ને કારણે ઓળેલા વાળ આખો દિવસ એકજ સ્થિતિમાં જોવા મળે.!! મને એમ લાગે છે; કે, જેલ ક્રિમનો સંશોધક નક્કી સૌરાષ્ટ્ર બાજુનો જ હશે.!

ભણવાથી શું ફાયદો થશે અને આ ભણતર આપણને શુ કામ લાગશે એવી કોઈ ગતાગમ ન પડે. — બાપુજી એ કહ્યુ છે. અને બધા બાળકો નિશાળે જાય છે. એટલે આપણે પણ ભણવા જઈએ એટલીજ ખબર પડે.

આવીજ બીજી યાદોમાં—ગામના મંદિરોમાં સંઘ્યા ટાણે વાગતી ઝાલર હોય, સાયંકાળ એટલે અલૌકીકતા સભર વાતાવરણ. નભમાં રતુમડાં રંગ ની ભાત ઉપસી આવી હોય. વાદળીઓ લીસોટા રુપે  આકાશમાં જાણે સુવર્ણાભૂષણનો  શણગાર  કર્યો હોય. અવની જાણે રક્તપિંગલ પ્રકાશમાં તરબોળ થઈ રહી હોય એવી આભા રચાતી લાગે. વાડી—ખેતર ના મોલ પરથી ભાતભાત ની ફોરમ લઈ સંગીતમય તાલે ઝૂમતો વાયરો વાતાવરણને માધુર્ય બનાવતો વરસી રહ્યો હોય. ગાયો ના મીઠાં હંભારણા અને વાછરડાંઓની ડોકે રૂમઝુમ થતી ઘુઘરીયોનો મધૂરો ઝણકાર જાણે અવર્ણનિય સંગીતનો તાલપુરી રહ્યો હોય તેવું અદ્ભૂત વાતાવરણ પ્રકટ થતું દિસે. ગામના દેવમંદિરો માં ઝાલર—નગારાં વગાડવાનો નાનપણમાં અમેય ઘણો લાભ લીધો છે.

યાદોની રીલ આગળ ચાલતી ચાલતી અનેક ચિત્રો લઈ આવે છે. જેમાં—રોકડીયાદાદા ના મંદિરે શનિવારે શ્રીફળ ની શેષુ ખાવાની હોય. કે ખોડીયાર માં એ અષાઢી બીજ ની લાપચી નો પ્રસાદ હોય, સ્વામિનારાયણ મંદિર ઉનાળમાં ગવાતી મહાભારત ની કથા હોય,  સ્વામિ મંદિરમાં જ  રોંઢા વેળા કદિક મગસ ની લાડવી ખાતા હોય, કે  ચોરા ના ઓટલે રાત્રે જમાવેલી બેઠક હોય. ધાબળા ઓઢીને મોડી રાત સુધી અડીંગો જમાવીને બેસતા એ દિવસો હજીએ એવાને એવાજ ચિતમાં કોતરાયેલા છે.

એમા પણ ભવાઈ ની વાત તો કેમ ભૂલાય.?  નાના ગામડાં માં ભવાઈ ની જે બોલબાલા હતી કે ના પુછો વાત.!! કારણ એજ  મનોરંજનુ એકમાત્ર સાધન હતું. એમા પણ ઈ.સં ૧૯૮૬ વખતે અમારા ગામ હરીપુરા ની વસ્તી માંડ ૭૦૦ વ્યક્તિઓ ની હતી.

રતિલાલ ડાગલો કે મણીલાલ વ્યાસ ની ભવાઈ ના ખેલ જોવા બે દિ' પેલાથી ગાડુ મૂકવા માટે જગ્યા રોકવા આખો દિવસ .....પાટા દોરવાનુ યાદ આવતા- હજી પણ એમ લાગે કે, એ બાળપણ ફરી માણવા મળે. !!

ગામમાં ભવાઈનો ખેલ નક્કી થાય એટલે ગામના છોકરાઓ પોતાની જગ્યા રોકવા ચોરા ના ચોકમાં આખો દિવસ પાટો  દોરી રાખે. એમાં હું પણ અમારુ ગાડું મૂકવા માટે જગ્યા પર નિશાન કરી અને ધ્યાન રાખવા ચોકીપહેરો કરતો રહું. એમાં એક ટક જગ્યાનો પહેરો મારો ભાઇ રાખે.  રાજા હરીચન્દ્ર, શેઠ સંગાળશા અને રામ રાવણ ના ખેલ ભજવાય.  રાતે ભવાઈ જોતા જોતા આંબલીયા, મસાલાનું પાન ખાવા નો જે ટેસડો હતો. એવો આનંદ હવે જાણે ગોત્યોય મળતો નથ્ય.

હજીએ કંઈ કેટલીય યાદો મનના ખજાનામાં થી બહાર આવી રહી છે. જેમાં —ભર શિયાળે લાલધુમ ટબ્બા જેવા બોર ખાવા વાડીઓમાં રખ્ખડપટ્ટી કરતા એનીય અનેરી મોજ હતી.

બપોરે નિશાળેથી ઘરે આવતાની સાથે થોડી ઘણું ખાધુ કે પરબારા ઉપડીએ વાડીયુંમાં. કારણ કે, મનમા ઓલા બોર રમતા હોય. જેને લઇને મોમા પાણી છૂટતું હોય. બોરડીઓ પર પાકો રાતો રંગ છવાઈ ગયો હોય. લૂમેજુમે લટકતા ખાટામીઠા બોર ના ભારથી લથબથ બોરડી ઓ જાણે ધરતીને પાયલાગણ કરતી હોય એવો મનમોહક નજારો સર્જાતો દીસે
  ! 
  
બોરડીના વાંકડીયા કાંટાની વચ્ચેથી એવી સિફતપૂર્વક અને  ઝડપથી  બોર ખેંચી  લઈએ  કે, ખુદ બોરડીને પણ ખબર ના પડે.!! બેબે  બોર ખાતા જઈએ  અને આઠ દસ બોર ખિસ્સા ભેગા કરતા જઈએ. પાટલૂનના બન્ને ખિસ્સા છલોછલ ભરાય પછીજ ઘર તરફ પાછા ફરીએ. 

હવે ઊનાળાના દિવસો યાદ કરીએ તો વૈશાખના ધોમ તાપમાં ઠંડક પ્રસરાવતી ગૂણાની ગૂલ્ફી હોય. નિશાળે અગિયાર વાગ્યે રમવાની છૂટ્ટી પડે એટલે ગામના પાળે ચડીને વાટ માંડીએ કે માચિયાળાના કેડે ક્યાંય ગૂણાની સાયકલ દેખાય છે ખરી.!!

સૌ નિહાળીયા કાગડોળે રાહ જોતા હોઈએ, અને એમાય દુરથી જો સાઈકલ નજરે ચડે તો આ બાજુ પાળા પરથી ચિચિયારીઓ ગર્જી ઉઠે.!! ત્યારે તો સાવ સોંઘવારીનો જમાનો હતો. દસ પૈસાની અને  પચ્ચીસ પૈસાની કોલેટી આવતી. પણ તોય એટલા પૈસાય માંડ જોવા મળતા. ઘરે કોઈક મે’માન જમવા રોકાણા હોય તો છોકરાના હાથમાં બે રુપિયા આપવાનો રીવાજ હતો.

આ બધી યાદગીરીમાં મૂગટના છોગા જેવી મજા એટલે ગામડાના લગન પ્રસંગ. 


એની મજા એટલે અહાહા..!! એકા'દ મહીના પહેલાથી લગ્નની તૈયારીયું મંડાણી હોય. સૌરાષ્ટ્રમાં મોટાં ફળીયાવાળા મકાનો હોય છે, લગ્ન પહેલા એ ફળીયામા નદીનો વેકરો ( ચણોઠીથી નાના ગોળ પત્થરો ) પાથરવામાં આવતો.  વેકરામાં ચાલવાથી ચરડ ચરડ અવાજ આવે, એનો મીઠો રણકારો હજી પણ કાનમાં ગૂંજતો યાદ આવે છે.


શેરીમાં ક્યાક જો આવો પ્રસંગ હોય તો એવી મોજ પડતી કે અઠવાડીયા સુધી મહાઊત્સવ હોય એમ લાગતું.  જેમની ઘરે લગ્ન હોય તેની આડોશ પાડોશની સ્ત્રીઓ એકાદ મહિના પહેલાથી ફરફર અને પાપડ બનાવવા લાગી જાય.  એની સાથે અનાજ કરીયાણાની સાફસફાઈ પણ ચાલતી હોય, જાણે પોતાના ઘરેજ લગન હોય એમ અબાલ વૃધ્ધ સૌના મનમાં અનેરો આનંદ ઉછાળા મારતો હોય.


આમ તો શેરીએ રોજ અંધારપટ જ હોય, પણ લગ્ન હોય એમની ડેલીએ વળી અઠવાડીયા પુરતો ગલોપ ( લેમ્પ ) પણ ગોઠવાઈ ગયો હોય. એના અંજવાળે ટેણીયાઓ રમતા ભમતા કિકિયારી કરતા હોય.  ઘરમાં  મધૂરા સ્વરે સ્ત્રીઓ રુડાં ગીતડાં ગાતી હોય. એનો ગાવાનો લહેકો, લાંબો ઢાળ ને સુમધુર અવાજ થકી એક અનેરી આભા પ્રગટ થતી લાગે.

ફળીયામાં બુંગણ પાથરીને પુરુષ વર્ગની જમાવટ થઈ હોય. માગશર મહીનાની  કડકડતી ઠંડીનો વાયરો જીંકાતો હોય. લોકો ધાબળાને મફલર વીટીને બેઠક લીધી હોય. બીડી સિગરેટની થાળીઓ ને ચાની રકાબીઓ ખણખણતી હોય. વાતોની ત્રમઝટ બોલતી હોય. મનખો આનંદના હિલ્લોળે ચઢ્યો હોય. આમ રાત્રીના બેબે પહોર સૂધી  રંગત ચાલતી રહે.!!

ત્યારે લગ્ન  પ્રસંગમાં પંગતમાં જમાડતા.  ગામડાનો એ સમય એટલે ડેકોરેશનનું નામોનિશાન ન મળે. અલગ અલગ  ઘરેથી બુંગણ,નાડાં અને ડોલો તથા જોઈતું કારવતું જે હોય તે પોતપોતાના  ઘરેથી  લઈને જવાનું. ત્યાં હાજર કોઈ વ્યક્તિ પાસે નોટબુકમાં આ બધી વસ્તુંની યાદી તરીકે નોંધ કરાવી જરુરી હોય. એટલે જે—તે વસ્તું લાવનાર માણસ  સૌ પ્રથમ બૂકમાં નોંધ પડાવાની ચિવટ રાખે.

કામ કરવા આવનારા માણસો ભેગા થઇ છાયા માટે શેરી અને ફળીયામાં દોરડાંથી બુંગણ બાંધવાના કામમાં જોતરાય. વાળંદનું કામ  ચા પાણી બનાવાનું. આવનાર મહેમાનો તથા રસોડે કામ કરતા સારથીયાઓને ટાઇમો ટાઈમ ચા પાણી પિરસતો રહે. રસોઈયો રસોડું સંભાળે.

ત્યારે કેટરીંગ જેવી કોઈ સગવડતા જોવા ના મળે. શાક સમારવાનું, ચુલો ખોદવાનુ, મગબાફણા (લાકડાં ) ફાડવાનું કે  લાડવા વાળવા અને ટીપણામાં પાણી ભરવા જેવા બધા કામો આપણી જાતેજ કરવાના રહેતા. રસોઈયાની ડ્યુટી ફક્ત રસોઈ રાંધી આપવાનીજ. બાકીનું કામ જે —તે ધર સાથે ઢાલ ધરાવતા લોકોએ કરવાનું હોય. 
આ રસોઈનું કામ પુરૂ થાય એટલે પંગત પડે, તેને પીરસવાનું કાર્ય ચાલું થાય. આમ એક લગ્નમાં બે થી ત્રણ દિવસ કામ કરવા જવું પડતું.

એમાય જો આપણા પક્ષે કન્યા લગ્ન હોય અને જાન આવવાની હોય એની આગલી રાત્રે તો અગિયાર વાગ્યા સુધી રસોડાનું કાર્ય ધમધોકાર ચાલતું હોય.  સાડા અગિયાર વાગ્યે સારથીયા છુટ્ટા થાય. 
પણ એજ વહેલી સવારે પાંચ વાગ્યે ફરી હાજર થવાનું હોય. કડકડતી ટાઢમાં એમ વિચાર આવે કે ઉઠવું જ નથી. એક તો બાર વાગ્યા પછી માંડ સુતા હોય ત્યાંજ ઉંઘમાં આવો વિક્ષેપ પડે. મનેકમને માંડ માંડ આંખો ખોલતા ઉઠવું પડે  મોઢુ ધોયું ના ધોયું ધાબળા ઓઢીને સીધા પહોંચે રસોડે.
ત્યાર બાદના કામમાં  જાનને સાડા છ વાગ્યે નાસ્તો કરાવાનો હોય એની તૈયારી મંડાઇ. નાસ્તાની વાનગીમાં મુખ્યત્વે ચા —ગાંઠીયા હોય, સાથે પાંચેક ઇંચ લંબાઈ ધરાવતા લીલા મરચાને તળી નાંખે  એટલે એ કહેવાય સંભારીયા.

જાનને જ્યાં ઉતારો આપ્યો હોય ત્યાં  આ બધી સામગ્રી લઈને વરરાજા ની આગતા સ્વાગતા કરવામાં આવતી. જાનને નાસ્તો કરાવતા પોણોએક કલાક સમય લાગે. નાસ્તાનું કામ પુુરૂ થાય એટલે  પછી બપોરના જમણવાર માટે રસોડાનું કામ ચાલું થાય જેમા દાળ—શાક અને  પાપડ જેવી વાનગીઓ તૈયાર કરવામાં સૌ મચી પડે.

અને બીજી બાજુ જાનને આપેલા ઉતારે માંડવા પક્ષની  સ્ત્રીઓ મંગળગીતો ગાતી  વરરાજાને પોંખવા જાય. સાથે પુરુષો પણ સામેલ હોય. આ વિધી પુરી થાય એટલે નવેક વાગ્યે વરઘોડો ચડે.   ઢોલ-શરણાઈ તથા બેન્ઝોનો તરવેણી સંગમ દોઢેક કલાક ગામડાની શેરીઓ ગજાવતા માંડવે પહોચે.
પછી તરત જાનમાં આવેલા પુરુષોને અને મહેમાનોની પંગતો પડે. કલાક બાદ સ્ત્રીઓને જમવા બેસાડે અને તેમનું જમણવાર પુરુ થાય ત્યાં પેલી બાજુ પરણેતરની વિધી પુરી થવા આવી  હોય.

બપોરે એક —દોઢએક વાગ્યે બધુ આટોપી લેવાઈ. પછી બેએેક વાગ્યે જાન વળાવવાની છેલ્લી રસમ પુરી થાય. અને વાસણોને બુંગણનું બાકીનું કામ પુરુ થયા પછી સૌ છુટ્ટા થાય.
હવેના લગનમાં એવો અમૂલ્ય જલ્સો નથી પડતો.


મનમાં હજુ પણ ઘણી યાદો સળવળાટ કરી રહી છે, પણ લેખ ખુબ લાંબો થઈ ગયો છે. તમને કંટાળો આવે તે પહેલાજ મારી સોનેરી યાદો સમાપન કરુ છુ.
૧૦ જાન્યુઆરી ૨૦૧૯.
લેખન- ભરત ગજેરા. અમદાવાદ.

ટિપ્પણીઓ

  1. મને તમારા દરેક લેખ વેચવાનો ખૂબ આનંદ આવે છે, આવા મજાના લેખો લખતા રહેજો

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Information about Gajera surname

હરીપુરાનો દિહાણ સીમનો કેડો

વિરામચિન્હો સાથે સામ્યતા ઘરાવતા લોકો