અંધારી રાત અને વાડી મારગનો વૈભવ
ભરત ગજેરા. ટીમટીમાતા અગણિત તારલા અને રંગબેરંગી આભમાંથી જ્યારે રાત્રી નો બીજો પહોર ફૂટી નિકળે. એવા ટાણે હું અને મારો માસીયાય અમારા ગામથી એકાદ કિ.મી આઘે તેમની વાડીએ પહોચવા માટે, મધ્યમ ગતિએ મારગ કાપતા અવિરત ચાલી રહ્યા હોઈએ . રાત્રીએ ઘોર અંધાર પછેડો ઓઢી લીધો હોય. ચોગરદમ નિરવ શાંતિનો પથારો પડી ગયો હોય, એવા સમયે અમારા પગરવનો અવાજ કાનમાં અથડાતો અમને જ સંભળાતો હોય, થોડી થોડી વારે ભેરબ ( ઘુવડ) પોતાની હાજરી પુરાવા વૃક્ષોની ઊંચી ડાળીએથી ચિત્કારી ઉઠે. અંધકારને ભયાનક બનાવતો તેમનો કર્કશ અવાજ સાંભળીને મારી ધડકનો તિવ્ર ગતીથી ચાલતી હોય, એવું પાસળીના એકકોર અનુભવાતું લાગે. અને તેરક વરસના કિશોરને થોડો ઘણો ભય લાગવો એ સ્વભાવિક છે. આઘેરા ખેતરના શેઢેથી શિયાળીયા ઊંવા ઊંવા કરતા રોતા હોય. આ અવાજ ઘડીભર માટે માણસને વિચારતો કરી વાળે કે, નક્કી નાનુ બાળક રડતું હશે.! તમરાના તીણા અવાજ અને સુકા પાંદડાં ખખડવાથી થતો હડબડાટ આસપાસના વાતાવરણને વધારે બિહામણો બનાવામાં મોટો ભાગ ભજવતા રહે. ઘરા પર મહેકતી ટાઢક ફંગોળતો ફા...