અંધારી રાત અને વાડી મારગનો વૈભવ

 

ભરત ગજેરા.

    ટીમટીમાતા અગણિત તારલા અને  રંગબેરંગી આભમાંથી જ્યારે રાત્રી નો બીજો પહોર ફૂટી નિકળે. એવા ટાણે હું અને મારો માસીયાય અમારા ગામથી એકાદ કિ.મી આઘે તેમની વાડીએ પહોચવા માટે, મધ્યમ ગતિએ મારગ કાપતા અવિરત ચાલી રહ્યા હોઈએ

Andhari rat ne vadi marag no vaibhav in gujrati

   રાત્રીએ ઘોર અંધાર પછેડો ઓઢી લીધો હોય. ચોગરદમ નિરવ શાંતિનો પથારો પડી ગયો હોય,  એવા સમયે અમારા પગરવનો અવાજ કાનમાં અથડાતો અમને જ સંભળાતો હોય, થોડી થોડી વારે ભેરબ ( ઘુવડ) પોતાની હાજરી પુરાવા વૃક્ષોની ઊંચી ડાળીએથી ચિત્કારી ઉઠે. અંધકારને  ભયાનક બનાવતો તેમનો કર્કશ અવાજ સાંભળીને મારી ધડકનો તિવ્ર ગતીથી  ચાલતી હોય, એવું પાસળીના એકકોર અનુભવાતું લાગે. અને તેરક વરસના કિશોરને થોડો ઘણો ભય લાગવો એ સ્વભાવિક છે.



   આઘેરા ખેતરના શેઢેથી શિયાળીયા ઊંવા ઊંવા કરતા રોતા હોય. આ અવાજ ઘડીભર માટે માણસને વિચારતો કરી વાળે કે, નક્કી નાનુ બાળક રડતું હશે.!  તમરાના તીણા અવાજ અને સુકા પાંદડાં ખખડવાથી થતો હડબડાટ આસપાસના વાતાવરણને વધારે  બિહામણો બનાવામાં મોટો ભાગ ભજવતા રહે.

   ઘરા પર મહેકતી ટાઢક ફંગોળતો ફાગણનો  ઉતાવળીયો પવન ઝાડ પાનને ઝપટમાં લેતો દોડી રહ્યો હોય. આખા દિ' ની ગરમી ખાધા પછી શીતળ લહેરખીઓ આપણા તન અને  મનને હેમાળા જેવી શાતા આપતી લાગે,  મન એના ખજાનામાં આવો મીઠો અહેસાસ સંઘરવાનુ કામ બખુબી નિભાવી રહ્યું  હોય.!! સેંકડો મધુરી યાદોના પડળ પર પડળ ચડાવતું દિમાગ, આપણા જીવનને કાયમ રંગીન અને તરોતાજા રાખવાનું કામ સુપેરે કરતુ રહેતું હોય છે. !!

અમારી નજર ઉભા કેડા પરથી માનવ આકૃતિ રચતા આંકડાના ઝુલતા છોડ પર અટકી પડે. આંખોના પડદા પહોળા થતાં જ અમને ખાત્રી થાય કે, ઓહો..આ તો પેલો જૂનો ને જાણીતો  છેતરામણો આંકડો જ માનવ આકૃતિનો ભ્રમ રચી રહ્યો છે.!! 

કયારેક આવળના પડીયાના ખણણણ..થતા અવાજ અમને ચમકાવી નાંખે. પડીયા પાછા એમ કહેતા હોય કે; ‘સાવધાન રહેજો સાપ, વિંછી અને ઝેરી જીવ જંતું જેવા નિશાચરો શિકાર કરવા માટે રસ્તા પર ફરી રહ્યા હશે. રખેને ભૂલેચુકે તમારા પગ હેઠે  દબાશે તો એનો પરચો આપ્યા વિના નહી છોડે.’
       અંધારી રાત એટલે ચોરટાઓ માટે જાણે સુરજ ઊગે,  પોતાનો મલીન ધંધો કરવા સીમ વગડામાં ફરતા ફરતા ગામમાં ખાતર પાડવાના કિમીયા કરે. ચૌર્યકર્મ કરનારાઓ એ પણ પોતાની આગવી સંકેત ભાષા વિકસાવી હોય છે. એ સંકેતો દ્રારા શિયાળીયા ની જેમ લાળી કરે અને બીજી તરફ છૂપાએલા પોતાના સાગરીતો સાથે જરુરી વાતો કરી જાણે.!

   આમ તો નાનપણથી મને સીમ—વગડાંમાં હરવા ફરવાનો અનેરો આનંદ આવતો. ઝાડપાન અને લીલા ખેતરો નું સાનિધ્ય મારા માટે એક આલ્હાદક અને અવર્ણનીય લ્હાવો હતો. તથા ખુલ્લા આભ નીચે અને ખુલ્લી વગડાંઉ હવામાં ઊંઘવાનો મોકો મને હરદમ આકર્ષિત કરતો રહ્યો છે.

   આમ પણ માનવોની એક પ્રકૃતિ રહી છે. કે વન વગડાંમાં  ભમવું એમને અતિ વ્હાલું લાગે છે. ઉંચા પહાડો ખુંદવા કે, મૃગલાની પેઠે ઉછળતા કૂદતા નાના નાના ઝરણાઓ નિરખવાની પણ કેટલી મજા પડતી હોય છે. !! પહાડોની ટોચ પરથી ઊંધા માથે ખાબકતા અને પહાડોના પેટાળમાં આટો મારીને જંગલી વનસ્પતિના મૂળીયાના ધાવણ ધાવીને વહેતા નિર્મળ ઝરણાનું જળ નારીયેળથી પણ મીઠું મધુરૂ લાગે.!

      અડાબીડ વનરાજીમાં ઝાડની ડાળી પર બેઠક જમાવીને ઝૂલતા અને એક ડાળીથી બીજી ડાળી પર ઊડતાં મધુરો કલરવ કરતા,  રંગબીરંગી પક્ષીઓને નિહાળવાનો લ્હાવો કોને ના ગમે.? ભાતભાતના પતંગીયા અને અગણિત આકાર પ્રકારના પશુ,  પંખી અને જંતુઓથી  ધબકતું અરણ્ય પ્રકૃતિ પ્રેમીઓ માટે સૃષ્ટિ પરનો અમૂલ્ય ખજાનો ખડો કરતું હોય એમ લાગે.!

    વસંત ઋતુ આવતાની સાથેજ વનરાજીઓ જીણી જીણી અને અગણિત રંગોની ફુલકળીઓથી મહોરી ઊઠે.! સમસ્ત ધરા જાણે નવલા રૂપ શણગાર સજીને દેવતાઓને પણ એમ કહેતી હોય કે, 'જુઓ; તમારૂ સ્વર્ગ પણ અમારી સામે કેટલું ઝાંખુ પડતું લાગે છે.' ??

   દરીયાદી/ દક્ષિણ કોર અમારા ગામ હરીપુરા ની હદ પુરી થતાજ ધુળીયા  ગાડાં માર્ગે પચાસેક ડગલા આગળ ચાલતાં ઢોળાવ ચડીએ, એટલે રસ્તાની જમણી તરફ  ભુતિયા મહેલ જેવું અર્ધખંડીત મહાણ ( સ્મશાન ) નજરે પડે. અમે ટાબરીયા એમ જાણતા  કે આની ઉપર વિજળી પડી હતી, એ કારણથી અર્ધો ભાગ ખંડીત થઈ ગયો છે. પણ સાચુ ખોટુ રામજાણે..!!   દેશી બાવળના પાંખા ઝુંડ પાછળ ભયાનક મુદ્રા ધારણ કરીને ઉભેલું આવુ ખખડધજ સ્મશાન જોઈને થોડો ગભરાટ પણ લાગે.

    એમ કહેવાય છે કે,  ચોઘડીયા ફેર થતાં  કાળી રાતે  મેલી જમીન પર ભૂતપ્રેતો પણ દ્રશ્યમાન થાય. માનવોના દિમાગમાં હજારો વરસો થી આવી વાતોએ ભયનો સૌથી મોટો હાંઉ ઊભો કર્યો છે. પણ  જાણકારો ના સંશોધન અનુસાર આવી વાતો  માત્ર હબંગ અને જુઠ્ઠી સાબિત થઇ છે. આ દુનીયામાં વાસ્તવિક રૂપે ભૂતપ્રેત જેવું કંઈ નથી. જે લોકોને ભૂતનો અનુભવ થયો છે, એ મોટે ભાગે પોતાના મનની ભ્રમણા હતી. અથવા તો બિવડાવા માટે તેમના દુશ્મનો કે લાગતા વળગતા લોકો દ્રારા ઉભું કરેલું એક ષડયંત્ર હતુ.

    ઢોળાવ પરથી નજર કરતા દુર સુધી નાના મોટા ઝાડ જાણે કાળા ધબ્બાની જેમ દેખાય રહ્યા છે. એ  નાનકડો ઢોળાવ ઊતરીએ ત્યાથી ડાબી તરફ ત્રાસા ફંટાતા માર્ગે પાંચેક મિનિટ આગળ જતાં  બે રસ્તા ભેગા થાય, તરભેટેથી માત્ર ગણતરીના ડગલે જમણી બાજુ બીજો ઢાળ ચઢીએ એટલે માથોડાં ઉંચાઈ ધરાવતું સપાટ મેદાન આવે, એમા ક્યાંક ક્યાંક કાંટાળી નાની વનસ્પતિઓ જોવા મળે. ( આ એજ મેદાન છે. જ્યા અમે  કદીક બેટદડે પણ રમવા જતા હતા.)

     આ મેદાનની વચ્ચેથી ધનુષાકારે પસાર થતો મારગ, એના ડાબા કાંઠે  શાંતમુદ્રા ધારણ કરીને એકલી અટુલી પીપર ઊભી છે. જાણે એમ લાગે કે, વરસોથી કોઈની રાહ જોઈ રહી હશે.? આખા ખારામા ( પડતર જમીનમાં ) આ એકજ પીપરનુ વૃક્ષ જોવા મળે,  બાકીના મોટા ભાગ પર કાટાળી વનસ્પતિનો કબ્જો જોવા મળે. તેનો સાથ પુરાવા આંકડા અને આવળો ના  ઝુમખાય ખરા. ધોમ તડકામાં  પસાર થતાં વટેમાર્ગુઓ અને માલધારીઓને  છાંયડો આપતી એ પીપરની તસ્વીર અમારી આંખોમાં આજેય ચિત્રિત થયેલી દેખાય છે.

    ખારાનો અર્ધો ભાગ દબાવીને પડેલું આ મેદાન પુરૂ થાય એટલે દખ્ખણ દિશા કોર સાંકડો ગાડા કેડો ચાલું થાય. બન્ને તરફ બેબે માથોડા ઊંચા માટીના પાળા. એ પાળાની ઉપર તોતીંગ થોરની વા્ડયો. ઉંટ ઓરાય એવો ઊંડો મારગ. જાણે કોઇ અંધારા બોગદામાંથી પસાર થતા હોય તેવો બિકાળવો લાગે. ચારેતરફ તમરાંની તીણી અને કાન ફાડી નાંખતી ચીસો સંભળાતી હોય. હું અને માસીયાર સુભાષ બંન્ને વાતો કરતા કરતા ઉંડો કેડો વટાવતાં અંતે વાડીએ પહોંચી જઈએ.

    મધ્યરાત થવામાં પોણો કલાક જેટલી વેળા રહી હોય. એકાદ કિ.મીની પદયાત્રાના પરીણામે શરીર પર થાકના ઓછાયા દેખાતા હોય. આંખો  ઊંઘથી સખત ઘેરાઈ રહી હોય. મારો  માસીયાય કપાસના  ક્યારમાં પાણી છુટ્ટુ મુકવા માટે ખેતરમાં કામે લાગે. અને આ બાજુ હું બે—ગોદડાં પાથરીને ખેતરના શેઢે લંબેનારાયણ કરુ.

   મહેકતી ધરણીની ગોદમાં સુતા સુતા મારી નઝર અનાયાસે આકાશ તરફ પડે. દૃષ્ટિના ફલક પર ગગનનો મોંધેરો વૈભવ માણવા મળે. પુર્ણ પ્રકાશનો રંગબિરંગી ધોધ વહાવતા તારલાના મસમોટા ઝુમખા જાણે આપણા ઊરમાં રંગોળી પુરતા હોય તેવી આભા રચતા રહે. 
નિરવ અંધારી રાત અને ચોતરફ વૃક્ષોની લીલુડી ઘટ્ટાઓમાં થી ગળાઈને આવતો મીઠો મધુરો વાયુ કંઈક અજબ પ્રકારની દુનિયામાં વિહરતા હોય એવો સુંદર અહેસાસ કરાવતો રહે.

વૃક્ષોની સંગાથે અટખેલીયા કરતો  અને ક્યારેક ધોધમાર વરસતો પવન. દુર ક્યાંકથી વળી મૃગલા/હરણીયાના ધિંગા  મસ્તીભર્યા અવાજ કાને પડતા રહે. આ સાથે ઓલી ડરામણી ભૈરબ અને નાના બાળકની અદ્લ નકલ કરતા લુચ્ચા શિયાળીયા, તેમજ પેલી ચોવીસ કલાક જાગતી ટીટોડી ની જાત આપણી આસપાસમાં તેમની હાજરી અચુક નોંધાવતા હોય છે.

પ્રકૃતિની અદ્ભુત લીલાનો
      સપ્તરંગી પડદો  મન પર સવાર થયા પછી મગજ ક્યારે ગાઢ નિંદ્રામાં સરી પડે તે કહેવું કઠણ પડે,
વહેલી પરોઢનો હિમાચ્છાદિત વાયરો જ્યારે શરીર પર વર્તાવા લાગે, અને કોયલના મીઠા ટહુકાર તેમજ વગડાઉ પંખીઓના પંચમ સુર કર્ણદ્રાર પર  દસ્તક પાડે ત્યારે પાછા  આપણે ધરાતલ પર હોવાનો અહેસાસ થાય।

સાફલ્ય કે : કુદરતની વૈભવી ગોદમાં ખુલ્લા મનથી  માણેલા આવા અમુલ્ય દિનરાત એજ માનવ જીવનનો સૌથી મોટો ખજાનો છે. અને સદ્ભાગ્યે આવા અવસરનો લ્હાવો મને અણગણિત વખત મળી શક્યો છે. !!

સમય ઈ.સં -૧૯૯૧ -૯૩


૨૭ ડિસેમ્બર ૨૦૧૮ 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Information about Gajera surname

હરીપુરાનો દિહાણ સીમનો કેડો

વિરામચિન્હો સાથે સામ્યતા ઘરાવતા લોકો