હરીપુરાનો દિહાણ સીમનો કેડો

આમ તો અમારુ  હરીપુરા ગામ નાનકડું અને આયોજનપુર્વક વસાવેલુ છે. જ્યારે ભારતની ભુમી પર આઝાદીના પડઘમ પડધાય રહ્યા હતા એ સમય ૧૯૪૪- ૪૫ ના ગાળામાં ગામની સ્થાપના થઈ હતી.  બિલખા સ્ટેટના  કુવર હરીસિંહજીના નામ પરથી ગામનુ નામ હરીપુરા રાખવામાં આવ્યુ હતુ. એજ અમારા ગામના પુર્વ દિશાના સીમ ખેતરો એટલે — દિહાણ =
Farm way

આજે મને બાળપણના એ જુના દિવસો યાદ આવી ગયા ....કે જ્યારે અમે દિહાણ કોરની અમારી વાડીએ જતા ત્યારે મારગમાં કેવા  ઢાળ—ઢોળાવ ને વળાંકો આવતા,.... કેવા કેવા ઝાડ—વાડને છોડ જાણે અમને આવકારતા હોય એેમ નિત્ય લહેરાતા નજરે પડતા.

સવાર...સાંજ કે, બપોરનો સમય હોય, દરેક વખતે તેઓ ભિન્ન ભિન્ન રુપરંગે જોવા મળતા. તડકો હોય ટાઢ કે વરસાદ એ મારગનુ રુપ  અમને તો કાયમ રુડુ જ લાગતુ !!

આમ ગણો તો ગામમાં અમારુ ઘર દક્ષિણ પશ્વિમ ભાગમાં આવેલુ છે.  ગામની ઓળખ મુજબ ખુણાવાળાં તરીકે ઓળખાતી શેરીની બોર્ડર પણ કહી શકાય, અમારા ઘરની ડેલી સામે જ થોડુ મેદાન અને પછી ઢોરને પાણી પાવા માટેનો અવેડો હતો. અમારી ડેલી બહાર નિકળીને ઉગમણી દિશાકોર નજર કરો એટલે દિહાણની સીમમાં જવાનો કેડો દેખાય. આમ અમારી શેરીનુ કનેક્શન ડાયરેકટ દિહાણના કેડા સાથે જોડાયેલુ છે.

મારા ઘરથી નિકળીને ઉગમણા ચાલો અને આઠેક ખોરડા તથા  ચાર શેરીઓ વટાવો એટલે ગામની હદ પુરી થાય, અને તુરત  ખળાવાડનુ લંબગોળ મોટુ મેદાન આવે.

અહીં ખળાવાડ વિષે થોડી માહીતી પણ તપાસી લઈએ.


(ખળાવાડ એટલે જુનાકાળે ખેડુતો અહિં પોતાની ખેતપેદાશો જાર, બાજરો, કમોદ જેવા ધાન્ય તેમજ મગ, અડદ જેવા કઠોળોને કાપી—મસળી —વાવલીને સાફસુફી કરવાની જગ્યા તરીકે ઉપયોગમાં લેતા હતા.
🌾🌻પછી રાજભાગનો હિસ્સો કાઢી આપે,  બીજો ભાગ ખેડુ પોતાના ઘરે લઈ જઈ  અને વરસ ભરની ખોધાખોરાકી માટે—માટીની કોઠીઓમાં સંગ્રહ કરી રાખતા.

પરંતુ  દેશ આઝાદ થયા પછી એક સમયે જાહોજલાલી ભોગવતી આવી  ખળાવાડો સુની થઇ ગઈ.
પણ ..... માનવીની પ્રકૃતિને છેને કે —એક ઉપયોગ પુરો થાય તો બીજી જરુરીયાત ઉભી કરીને સાવ જુદોજ લાભ લેવાનુ ચાલુ કરી દેવાતુ હોય છે. એમજ આ— ખળાવાડમાં ઘણા વખતથી  છાણિયા ખાતરની ઉથરેટીઓ એ કબ્જો જમાવી દિધો છે.)

હવે તો અમારી ખળાવાડમાં ખાતરની ઉથરેટીઓના નોખા નોખા મજાના ચોરસ સમતલ ઢગલા જોવા મળે. નાના ગામની ખળાવાડ પણ કેવડી હોય, માંડ પચાસેક ડગલાનુ અંતર કાપો એટલે સમાપ્ત અને શરુ થાય ધુળીયો ગાડા કેડો.

🌵જમણા પડખે નાના નાના થોરની વાડ હતી તે ખેતર ઓળખાતુ કુંભાણીના પડાના નામે.
આ થોરની વાડમાં બેએક નાના લીમડાં પણ પોતાની છાયા લઈને ઉભા રહેતા.

બીજા ગણીને ત્રીસેક ડગલા આગળ ચાલીએ એટલે આવે  અરજણઆતા ગજેરાની વાડી—કેડાનો ઝાંપલો. પાંચ જેટલા આડાઅવળા કાંટાળા તાર, એક જાડુ અને ચાર પાતળી  લાકડીઓનુ ચોકઠુ એટલે જાણે રજવાડી ગેટ.

આગળ બે નાડાવા ચાલો એટલે તેમના નાનાભાઈ મુળજીઆતાનો આવોજ બીજો ઝાંપલો આવે, ત્યાર બાદ આ કેડો સ્હેજ ત્રાસો ફંટાઈ અને પછી માથોડા ઉંડો ઢાળ ઉતરવાનો આવે,

આ થઈ જમણી તરફની વાત પણ ડાબી બાજુ  ખળાવાડ પછી તુરત અને ખળાવાડ કરતા અરધા માપનો લંબગોળ આકારનો તથા લગભગ ચાર— પાંચે ફુટની સમતળ ઉંડાઈ ધરાવતો ખાડો હતો.

  ગામ તરફના  તેના કાઠે ઉંચો પાળો હતો, પાળાની ઉપર મધ્યમ કદની એકલી પીપર હતી. બસ ખળાવાડમાં સમ ખાવા પુરતુ આ એક વૃક્ષ કહીં શકાય. એ પાળાથી નજીકના અંતરે  દાડમાં દાદાની એક દેરી છે. એ ખાડામાં ગામની ફક્ત બેએક શેરી અને બેએક ખેતરનું  પાણી આવતું. 

ચોમાસામાં જ્યારે પાણીથી છલોછલ ભરાતો ત્યારે અમને તો ભવ્ય સરોવર જેવો લાગતો.!!

એજ ખાડાનુ પાણી સાંકડા નેરીયા રુપે દિહાણના કેડાની ડાબી બાજુ  સમાંતરે આગળ ચાલતુ,   પછી તો પેલો ઢાળ ઉતરો એટલે  રસ્તોય એજ અને વરસાદી પાણી હાલવાનુ નેરીયુ કહો બંન્ને એક જ, કારણ પેલા ખાડાનું પાણી દિહાણના મારગ સાથે ભળીને તેને ઉંડા મારગના  રુપમાં બદલી નાંખતુ હતુ.
ધોધમાર  વરસાદ પડતો  હોય ત્યારે આ મારગમાં એક બે ફુટ જેટલો પાણીનો રેલો ચાલતો જોવા મળતો.

આ ઢોળાવ થી મુખીની ચાંચડી સુધીનો મારગ સીથ્ધોસટ અને બંને તરફના દૃશ્ય એક સમાન જેવા જોવા મળે. જેમકે બે —ગાડા એકસાથે ચાલી શકે એટલે પહોળો મારગ, મારગની બેઉ કાંઠે તણ ફુટ ઉંડા અને પાંચ ફુટ પહોળાઈ ધરાવતા નહેરીયા.
આ બેઉ તરફના નેહરીયા પછી ખેતરોના માથોડાં ઉંચા પાળા, આટલી ઉંચાઈ ઓછી હોય તેમ બંન્ને તરફના પાળા ઉપર તોતિંગ થોરની વાડ્યો.

એમા પાછાં બાવળ, લીમડા જેવા  છુટક પુટક ઝાડવા રુપી છોગાઓય ખરા, તથા આવળ, આંકડો, બોરડી, ધતુરો અને વેલ—વેલાના લીલુડાં તોરણના શણગારય ખરા,

સીમમાં જતી વખતે એમ લાગતુ કે જાણે પ્રકૃતિની ગોદમાં વિહરી રહ્યા છીએ..!! .કારણ ચારે તરફ કુદરતી વાતાવરણ વૃક્ષો અને જીવ જંતું, પંખી.... રંગીન પતંગીયાઓ અને ખળખળ વહેતા નિર્મળ જળનો સંગાથ....માટી અને મોલાતની અવર્ણનીય સોડમ.

કેડાના બંને તરફના  ઝાડવા રોજ નિતનવા રુપ ધારણ કરીને લહેરાતા હોય, તેને દેખીને અમારા મનડા પણ....આનંદીત થઈ ઉઠતા, !!

એકએક ઝાડવે પંખીડા મીઠા કલરવે ગાન ગાતા હોય - વૈયા...કાબર, ચકલા, પોપટ,— તો વળી ક્યાંક ...., કબૂતર, હોલાના ઘુઘુ....ઘુ, ઘુઘુ...ઘુ
કોયલના મીઠડા ટહુકારના કર્ણપ્રિય સુર રેલાતા હોય.

હોલાની એક વાત મને ખુબ અચંબિત કરી ગઈ, જાણીને આપને પણ નવાઈ લાગશે. કહેવાય છે કે, હોલુ પ્રહરી પક્ષી ગણાય છે. તેનો મતલબ દર ત્રણ કલાક પુરી થાય એટલે ઘુઘુ...ઘુ ના ડંકા પાડે. પહોર  પુરો થયા સિવાય ખાલી બકવાસ કરવો એ હોલાની સાત પેઢીએ પણ મેળ ના પડે.!!

બીજા એક પક્ષી ટીટોડીને કેમ ભુલી શકાય ?, ગામ અને સીમમાં રાત દિવસ ઉંચે ચકરાવા મારતી અને  ટીટી...ટ્વિ્ટ ટીટી...વિટ કરતી  થોડી થોડી વારે બેસતી અને ઉડતી આ ટીટોડી ની જાત વિના ગામ - સીમ સુના લાગે.

થોરની વાડમાં ક્યાક વળી તેતરની હાજરી  દેખાય, ભુખરો રંગ અને કાળા ટપકા ધરાવતુ અને ભોળું દેખાતુ તેતર આનંદીત ઘડીમાં કદિક તિલ્લીત.... તિલ્લીત એવા મીઠા જાપ જપતુ પણ જોવા મળે.

અડખે પડખેના ખેતરોમાંથી  બળધોને હાંકવા કરાતા ખેડુતોના ડચકારા કાને અથડાતા હોય. સીમ વાડીના શાંત વાતાવરણના કારણે ધીમો અવાજ પણ દુર સુધી સ્પષ્ટ રીતે સાંભળી શકાતો હોય છે.
 
એ કાળે હજુ નવા જમાના રુપી રાક્ષસ લોકોના મનમાં નહોતો ભરાયો, માટેજ ઝેરી અને ખતરનાક દવાઓનો વપરાશ ખુબજ સીમીત હતો.

માટે  સીમ —વાડીઓમાં જાતભાતના અને રંગબીરંગી પક્ષીઓના મેળાવડા જોવા મળતા. શ્રાવણથી પોષ મહિના સુધી લીમડા, બાવળ, બોરડી, મહેંદી જેવા નાના મોટા વૃક્ષો પર પક્ષીઓ માળા બનાવતા, જેમાં નિતનવા રંગોના નાના મોટા ઈંડાઓ જોવા મળતા, અમારા બાળમાનસ પર ઈંડાની કલરફુલ ડીઝાઈન ભારે કુતુહલ જગાવતી.
....... કેમકે આવા મનોહર રંગો અમે કદી જોયા પણ ન હોય, —એટલે સ્વભાવિક પણે અમારા ઉરમાં આનંદના ઘોડાપુર છૂટતા.!!

પણ હાય રે... બહુરાષ્ટ્રીય કંપનીઓ જેમણે જીવલેણ રાસાયણિક દવાઓ, ખોટા બિયારણો અને ખોટા ખોરાક  દ્રારા માનવીઓને માયકાંગલો અને દવાખાને ઘક્કા ખાતો કરી દિધો.
અંગ્રેજી દવાઓ ખાઈ ખાઈ ને આપણને ખોખલા કરી દિધા, ઝેરી જંતુનાશક દવાઓને કારણે પક્ષી જગતનુ નિકંદન કાઢી નાંખ્યુ તથા અનાજ, શાકભાજી તેમજ પર્યાવરણને પ્રદુષિત કરી દીધુ, પૃથ્વિને નરકમાં રુપાંતર કરીને આજે સમસ્ત જીવ સૃષ્ટિનુ કાસળ કાઢવા બેઠી છે.

એક વાત મને ખાસ જોવા મળી છે કે, સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેતરોની ફરતે ઘણુ કરીને થોરની વાડ્યો જ જોવા મળે છે,  તેમા ક્યાક ડાંડલીયા, પાંદડીયા કે હાથલીયા થોરનો ઉપયોગ થયો હોય,.... એ મુજબ અમારા સીમ વિસ્તારમાં તત્કાલિન સમયે માત્ર ડાંડલીયા થોરની જ વાડ્યો જોવા મળતી.

હવે પાછા દિહાણના ઉભા રાજમાર્ગ પર ચડીએ તો ઢાળ ઉતરીએ એટલે  કેડાની ડાબી તરફ સૌ પ્રથમ ખોખરની વાડીનો ઝાંપો પડે..... વળી નાકની દાંડીએ ૪૦ ડગલા આગળ વધીએ
એટલે ખોખરના પાળેથી નેળીયામાં આડો પડેલો રામબાવળ આવે, એમ લાગે ....જાણે ક્ષીરસાગરમાં વિષ્ણુ ભગવાન શેષશૈયા ઉપર સુતા હોય,!!

તેનો રંગ ઝેરી લીલો અને  જીણા ખીચોખીચ પર્ણોથી લદાયેલો તેની ડાળીઓમાં પંખીડાનો એકાદ માળો પણ જોવામાં આવતો.

હજુ આપણી યાત્રા અર્ધે રસ્તે પહોંચી છે. આ રામબાવળથી વધુ ૩૦ ડગલાનો પંથ કાપીએ ત્યાં જ જમણે કાઠે ઉંચો ઢાળ નજરે પડે એ રસ્તેથી વલ્લભભાઈ ગજેરાની વાડીએ જઈ શકાય.

પછી ચાંચડી આવતા પુર્વે આપણા કેડાનો  જમણા પડખાનો  પડતર  પટ્ટો  બે ગણો, ચાર ગણો પહોળો થતો જાય.
ચાંચડીએ  થી બે મુખ્ય રસ્તા પડે, જેમા ડાબી તરફનો ત્રાંસો ફંટાતો મારગ બેક કિ,મી દુર  બાજુના ગામ સુરગપુરા સુધી લઈ જાય.

અને જમણી બાજુ ત્રાસા ચાલો એટલે ઉંડા મારગ તરીકે ઓળખાતા રસ્તે થઈ અને એકાદ કિ,મી છેટે સીમાડાની ટગલી વાડી સુધી જઈ શકાય.

ચાંચડી એટલે ત્રિભેટો, તેની ડાબી બાજુ મુખીના ખેતરનો શેઢો પડે, એના શેઢે એક ઈંગોરીયાનુ કાંટાળુ ઝાડ હતુ, આમ તો સાવ પાંખુ અને માંડ દસેક ફુટ ઉંચાઈ ધરાવતુ હતુ, છતાય તેનુ ચિત્ર હજી એવુને એવુ તાજુ છે,

એનુ કારણ પણ તમને જણાવી દઉ કે, આખા ઈલાકાનુ આ એકમાત્ર ઈંગોરીયા જાતિનું ઝાડ હતુ, પછી સીમ વાડીઓમા આવુ ઝાડ અમે બીજે ક્યાય જોયુ નથી. બસ એજ કારણ !!
બીજુ એક ઝાડ હતુ  ગુલમહોર....એ પણ અમારા ઈલાકાનુ  લાડકુ,  કારણ ઉપર કહ્યુ તેમ આ ગુલમહોરનુ ઝાડ પણ આખા ગામની સીમમાં ફરો તોય બીજે ક્યાંય ના ભાળો.!!

ચાંચડીએ ઊભા રહીને મુખીની વાડી તરફ નઝર કરો એટલે ગુલાબી રંગની —વાદળી ગગનથી વૃક્ષો પર ઉતરી હોય તેવુ સુંદર દૃષ્ય જોવા મળે, ફાગણની ગરમીમાં જ્યારે સીમવાડીઓની રોનક ફિક્કી પડી રહી હોય, તેવા સમયે લાલગુલાબી ફુલોથી લથબથ ગુલમહોરની રોનક જીગરમાં હર્ષની તરંગો ઉત્પન કરતી જાય.

ચાંચડીથી હવે ટગલી વાડી તરફ જતા મારગે આગળ વધીએ  એટલે રસ્તાની જમણી તરફ સૌ પ્રથમ મોટો અને ઉંડો ખાડો આવે, તે ખાડાની સામે કાંઠે ભીષ્મપિતા જેવો ખિજડો હતો,
તેને જોતા અમને થોડો ભય લાગતો, મનમાં વિચાર આવતા...કે, રખેને એમાં ક્યાક ભુત બૂતતો નહીં હોયને ?...એમ કહેવત હતી કે ભુતને ખિજડો ભલો.

અમારા કેડાની એક તરફ ખેતરનો ઉંચો પાળો અને બીજી તરફ ઊંડો ખાડો જેના કારણે કદીક ગાડાંમાં બેઠા બેઠા મને  એમ લાગતુ કે બળદનો પગ લપચશે તો સીધાજ આ પાણી ભરેલા ખાડામાં ડુબી પડાશે.

જમણા પડખેનો પચાક ફુટ પહોળો અને તેનાથી અઢી ગણો લાંબો આ ખાડો પુરો થાય એટલે તરત આવે અમારી વાડી તરફ જવાનો ઢાળ,

બસ આ ઢાળ ચઢીએ એટલે ડાબા પડખે ગોરધનભાઈ પાદરીયાની વાડી આવે. જમણા પડખે ક્રમવાર પ્રથમ  વલ્લભાઈના ખેતરનો શેઢો પછી જયસુખભાઈ ફિણાવા પછી દેવેન્દ્રનો શેઢો, 

બસ પછી ૫૦ જેટલા ડગલા ભરો એટલે અમારી વાડી પૈયામાં પહોચી જઈએ.... વાડી પૈયાની વાત કરુ તો મારા દાદા ખોડાઆતાએ વાવેલી આકાશને આંબતી ચાર પીપરો હતી, બે લીમડા અને એક ઊમરાનુ ઝાડ.

તેની બાજુમા કુવો અને કુવાના કાંઠે ક્રુડ તેલથી ચાલતુ મશીન નજરે પડે.

ઈ.સં ૧૯૮૩ માં સૌરાષ્ટ્રમાં આવેલા ભયાનક વાવાઝોડાએ એક લીમડો અને એક પીપરનો ભોગ લઈ લીધો હતો.

નોંધ=  વાવાઝોડા પછીની વાડી જ મને યાદ છે.
કારણ અમારા કુવાની બાજુમાં આવેલી  ચોથી પીપરને ફક્ત પડેલી અવસ્થામા જ જોઈ છે. ઉભી હતી એ મને યાદ  નથી.
આ લેખમાં ઉલ્લેખીત નિશાનીઓ અંદાજે ૧૯૮૪—૧૯૯૪ સુધીની છે.

ત્યાર બાદ ઉમરો પણ કાઢી નાંખ્યો હતો.

પણ અફસોસ કે આજે વર્તમાન ઈ.સં ૨૦૧૯ ની વાત કરુ તો  અમારી વાડીએ હવે તે કુવોય નથી અને એ વાડીના પીપર લીમડાય નથી....

પૈસાની ભુંડી લ્હાયમાં આપણે સૌ આજે આંધળા થઇ ગયા છીએ.

૩/૧૦/૨૦૧૯, પાંચમુ નોરતું
—Bharat D. Gajera. Ahmedabad.

ટિપ્પણીઓ

  1. Khub j saras. Jane emm thay k apde te rasta per jai rahya hoy. Tane saras yaado ne jalvi rakhi che. Kaushik Nakrani son of Ghanshyambhai Madhubhai Nakrani.

    જવાબ આપોકાઢી નાખો
  2. Haripura no Dihan sim no kedo, aa Lekh vachyo ane sundar pratibhav apyo te badal khub khub abhar. Mari mehnat safal thay, tnx kaushik

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Information about Gajera surname

વિરામચિન્હો સાથે સામ્યતા ઘરાવતા લોકો