માચિયાળા ગામનો મોર

 અમારા આખા ગામ પંથકમાં ક્યાય મોર તો શું એનુ પીચ્છુય જોવા નો મળે. પણ અમારી બાજુના ગામ માચિયાળામાં સૌ પ્રથમવાર મોરના ઝુંડ દિઠેલા.!! ત્યારે મારી વય આશરે આઠેક વરસની હશે.         આ લેખમા નીચેના મુદ્દાઓના રસપ્રદ વર્ણન સાથે કુદરતી વાતાવરણનો અનુભવ પણ મળશે. માણો - સીમ વગડાની મુસાફરીમાં પરોઢીયે રચાયેલા મનમોહક દૃશ્યો - જાજરમાન પંખી મોરનો વૈભવ, હરીપુરા - માચીયાળા પંથકની ભૌગોલિક સ્થિતિ અને તત્કાલિન સમયનું બાળજીવન.-અમરેલી માર્કેટ યાર્ડમાં થતી ગતિવિધીઓનો તાદ્શ્ય ચિતાર.

        ૧૯૮૫ -૮૬ નો એ જમાનો હતો કે ખેડુતોએ પોતાની ખેતપેદાશને વેચવા માટે જિલ્લા કે તાલુકા મથકની માર્કેટયાર્ડમાં લઈ જવી પડતી. એ રીતે અમો પણ ગાડામા માંડવીનો પાલ ગોઠવીને મારા પિતા અને કાકા સાથે વહેલી સવારે ૪ વાગ્યે અમરેલી જવા નિકળ્યા.      આ માંડવીના પાલ ખડકવાની બધી ગોઠવણ રાતે જ નિપટાવી લેવામાં આવી હતી. એટલે સવારે વહેલાસર જાગી અને શિરામણ કરી ગાડુ જોડીએ એટલે કામ પુરૂ. 

  અમારા ગામ હરીપુરા થી બે રસ્તા વાટે અમરેલી જઈ શકાય છે. તેમા પ્રથમ જો સડકમાર્ગે ચાલીએ તો વાયા શેડુભાર થઈને મોટા માચિયાળાનું અંતર ઠીકઠીક લાંબુ થઈ પડે, માટે જ અમે સીધો માચિયાળા તરફ જતો ટુંકા ગાડા મારગ પર પસંદગી ઉતારી. ત્યાથી નાના માચીયાળા - ગીરીયા - અમરેલી માર્કેટ યાર્ડ સુધી ૧૫ કિમી જેટલું અંતર થાય. એમાય મોટા માચિયાળા એટલે મારા પિતાજીનુ મોંધેરુ મોસાળ.    

હજી તો મોં સુજણુંવેળા થવામાં ઘણી વાર છે. સીમનો નિરવ સુનકાર ચિરતુ અમારુ ગાડુ, ઘુંસરી એ જોડેલા ધોળીયો અને વાછડાં નામના બેઉ બળધ ધીમે ધીમે પંથ કાપી રહ્યા છે. આ બળદો અમારી વઢીયારી ગાયના જ હતા એટલે ખાધેપીધે અને તાકાતમાં જોરાવર પણ ખરા, માટે અધરસ્તે હાંફીને બેસી જાય એવુ તો બનવાનુ ના હતુ. મારા કાકા ગાડાની ઉંધ પર બેઠા બેઠા મોજ થી ગાડાનું સુકાન સંભાળી રહ્યા છે. મારા બાપુજી અને હું ગાડાના પાલખ ઉપર ગોઠવેલી ગાંસડીઓ પર બેઠા હતા. 

     ખુલ્લા વગડાનો અને કાજળધેરી રાતનો મારા માટે જીવનનો આ સૌ પ્રથમ અનુઠો અનુભવ હતો. ગાડા પર ચતુરાઈ પુર્વક ગોઠવેલી ગાંસડીઓ પર બેઠાંબેઠા ધરા અને ગગનનો વૈભવ માણી રહ્યો હતો. પરોઢપુર્વેના નભમાં આછુ અંજવાળુ અંધકારને પછાડવા મથી રહ્યુ હતુ, હિમાલય તરફથી આવતો ગાત્રો થીજવી દેતો વાયું આજે કંઈક તંદ્રામાં હોય એમ હળવી ગતિએ હલેચા મારતો હતો. આ અટકચાળો વાયું પોતાની સંગાથે ખુલ્લા ખેતરને વગડાંઉ વનસ્પતિના પર્ણ પર બાજેલા ઝાંકળબિંદુની મિશ્રિત ફોરમ પણ લઈ આવતો હતો, જે વાતાવરણને સાચેજ અલૌકીકતા બક્ષી રહ્યો હતો. 

     હજી વસંત ઋતુની શરુઆત થઈ રહી હતી એટલે સમજોને મહા મહિનાનો છેડો. એવા ઋતુ કાળમાં ઠંડીનો થોડો ઘટાડો થઈ જાય છે. માટે જ પોષ -મહાની કાતિલ ટાઢનો થોડો અંશમાત્ર એટલે વસંત.  જો કે ગ્રામીણ સીમ વિસ્તાર અને પરોઢ કાળ એટલે સ્વભાવિકપણે ટાઢની માત્રા અનેકગણી વધુ હોય. એટલે જ અમે ત્રણેવ જણા જાડા ધુંસા (કામળા) ઓઢીને બેઠા હતા.    મારગ કાંઠે દેશી બાવળીયા અંધકાર ઓઢી સ્થિર અવસ્થામાં ઉભા છે. આમ પણ દેશી બાવળની એક ખાસિયત હોય છે કે ગમે તેવા ઝડપી વાયરામાં પણ હાલક ડોલક થયા વિના અચળ ઉભા રહી શકે છે.! 

     અમારો આ વિસ્તાર એટલે સપાટ પાટી જેવો. જ્યા નજર પડે ત્યા સમતળ જમીન અને પારવા પારવા ઝાડવા. અંધકારમાં એનુ રૂપ દુર દુર કોઈ મહાકાય કિલ્લાની શ્યામળી દિવાલ ચોતરફ ઉભી હોય તેવુ દૃશ્ય ઉપસે. માચિયાળાના મારગે ઝાડ ઓછાં હોવાનુ કારણ કે, એ બાજુ માત્ર ગામના ખેતરો જ હતા, વાડી કુવા ભાગ્યે જ ક્યાંક હતા. એટલે ખેડુતોનુ કામકાજ ચોમાસા પુરતુ જ હોય, પછી છ - આઠ મહિના નધણીયાતા જેમ રહેતા આ પંથકમાં ઝાડવાની સારસંભાળ કોણ રાખે. ??  

     આ ગાડા મારગ થોડો ઉબડખાબડ હોવાથી અમારી સવારી મંથરગતીએ આગળ ધપી રહી હતી. ગાડાનો કિચડાટ બળધોના ઝડપથી ચાલતા ઉશ્વાસ, પૈડા હેઠે ભરડાતા કાંકરાને માટીનો ચચરાટ વાતાવરણને જીવંત બનાવી રહ્યા હતા. અર્ધોક કલાકના અંતે માચિયાળાનો અરધા ઉપર પંથ કપાઈ ચુક્યો છે.  પણ અમારો મારગ આંતરતો ઉત્તર થી દક્ષિણ દિશામાં જતો લાંબો ઉંચાણ નજરે ચડી રહ્યો છે.

     હરીપુરાથી અઢીક કીમીના અંતરે રાખોડી ઝાંય યુક્ત આછા લાલ રંગની માટી ઘરાવતી ધાર આવે. આની ઉંચાઈ લગભગ પંદર ફુટની તો ખરી જ. ઘારનો ઢોળાવ લાંબો હોવાથી બળદ ગાડુ ચઢાવઉ એટલુ કપરૂ નથી જણાતું. આસ્તે આસ્તે જયારે ગાડુ ઘાર પર ચઢી રહ્યું એ સમયે ઉગમણી કોર દુર - સુદુર દિવડાના સોનેરી પ્રકાશ કળાણા માચીયાળા ગામ ધારથી ઠીકઠીક નીચાણમાં હોવાથી શ્યામવર્ણી ચુંદડીમાં સુવર્ણ આભલા ચમકતા હોય તેવો મનોહર ઘાટ સર્જાયો.!

    આપની જાણ ખાતર કહીં દઉ કે આ ઉંચી ઘાર ઉપર રેલ્વે લાઈનના પાટા બિછાવેલા છે. અંગ્રેજોની અમુક કામમાં ચતુરાઈ ખરી કે ઉચ્ચાણ પસંદ કરવાના કારણે અમારા આ વિભાગનો પાટો ગમે તેવા વરસાદમાં કદી ઘોવાઈ ગયો હોય તેવુ બન્યુ નથી.  આ મીટર ગેજ રેલ્વે લાઈનનો પેટા વિભાગ જંકશન ખિજડીયાથી - અમરેલી સુધીનો ગણાય. આ જ પાટો અમરેલીથી ચલાળા - ધારી - વિસાવદર - સત્તાધાર - સાસણગીર - તાલાળા - સોમનાથ વેરાવળ સુધી લંબાયેલો છે. માટે જેમને ટ્રેનમાં થી ગીરનું જંગલ જોવું હોય એમને આ રુટ પર પ્રવાસ કરવાનો અનેરો આનંદ આવશે. 

  ઈમ્પિરીયલ ગેઝેટીઅર મુજબ ગાયકવાડ બરોડા સ્ટેટની માલિકી ઘરાવતી અને ઈ.સં ૧૯૧૩ થી ૧૬ ના અરસામાં નંખાયેલી આ મીટર ગેજ લાઈન જં. ખિજડીયા થી ધારી સુધી જ રેલની શરૂઆત થયેલી. વિસાવદર થી સાસણગીરની લાઈન જુનાગઢ બાબી સ્ટેટ દ્રારા ૧૯૨૯ માં શરુ થઈ હતી.

   આ ઢોળાવ ઉતર્યા પછી દોઢ બે કિમી અંતરની કોઈ યાદગીરી નથી, કદાચ એમ હશે કે ખાસ મનભાવન દૃશ્યો ચિત્ત પર ના ઝીલાયા હોય, એટલા માટે આપણુ બાળમગજ સંગ્રહ કરવાની કોઈ પળોજણમાં નથી પડતું.

 પણ પણ....અચાનક જ મારુ મન ફરી સતેજ થઈ રહ્યુ છે કે ઉષા:કાળના અજંવાળામાં ઝાડના ઘાટા ઝુંડ દેખાય રહ્યા છે. કેડાની બિલકુલ ત્રીસેક ફુટના અંતરે ત્રણેક મોરલાનો એક સાથે મધુરો ટહુકાર સંભળાણો, પાંખો ફફડાવતા બેક મોરલા એ હળવી ઊડાન લીધી. !! આ કર્ણપ્રિય ટહુકાર જાણે રોમરોમ સમાઈ રહ્યો છે. અને શરીરમાં આછકલો એક જણકાર પસાર થઈ ગયો..!!

 ઓહો ....આ એજ મોરલા છે જેના ફક્ત ચિત્રો જોઈને આપણે આનંદીત થઈ ઉઠતા. એજ.... એજ આજે સાક્ષાત આપણી નઝર સમક્ષ દેખાઈ રહ્યા છે.!! એય પાછા એક બે નહી પણ છ સાત મોરલાનુ ઝુંડ !! લાંબા લાંબા મેઘધનુષી મયુરપિચ્છ સાથે ઝાડ નીચે ફરતુ આ ટોળુ, હુ અપલક નયને નિહાળી રહ્યો. મનમાં થતુ તુ કે કાશ આ પળ અહીંજ થંભી જાય. આ રંગીન દૃશ્યની છબી સ્મૃતિપટ પર ઉડે સુધી છપાઈ ગઈ કે, આજે પણ એ ચિત્ર નજર સમક્ષ હુબહુ તરી ઉઠે છે. 

 અમારુ ગાડુ તો એની રફતારમાં આગળ વધી રહ્યુ હતુ. એ સાથે કાચા ખોરડાં દેખાતા મને ખ્યાલ આવ્યો કે મોરલા ગામની ભાગોળમાં જ રમણ કરી રહ્યા છે. માચીયાળા ગામ હજી ઘેરી નિંદ્રામાં હોય એમ નિરવ શાંતી પથરાએલી હતી. 

આમ પંથ કાપતા કાપતા સવારે આઠેક વાગ્યે માર્કેટ યાર્ડ પહોચી ગયા હોઈશુ. પછી મોટુ બુંગણ પાથરીને માંડવીનો ઢગલા કરવામાં આવે, આવી રીતૈ આખી પીઠમાં દરેક ખેડુતોએ લાઈનસર માંડવીના ઢગલા કરી રાખ્યા હોય. હવે કડકડતી ભુખ લાગી છે એટલે ઘરેથી લાવેલા ઢેબરાને ગાંઠીયાના ચા- નાસ્તાપાણી થયા, બપોરને સાંજે રસાદાર સેવ ટમેટા અને પરોઠાની લિજ્જત માણતા. એમાય રોઢે જામફળને કેળાની મિજબાની હોય. 

નવરા સમયે હુ યાર્ડમાં આટફેરા કરતો, ક્યાંકથી બેક કાર્બન પેપર જડી આવ્યા, તો ક્યાકથી સાતેક બાકસની નવીન છાપ એકઠી કરી. શુ કે ?? ગામમાં બતાવવા થાય કે જો હું અમરેલી ગયો તો એની સાબિતી. !! અમારા નાનકડા ગામમાં બાકસની એકાદ બે છાપ માંડ જોવા મળતી. એમાય કાર્બન તો અમે માંડ શાબ પાસે જ જોયેલો. 

એ સમય હતો કે અમારા જેવા ટેણીયા અમરેલી ગયા હોય તો સહપાઠીઓમાં વટ પડી જાતો. આમ બીજે દિવસે સવારે દસેક વાગ્યે હરાજી આવી હશે, વીસ - પચીસેક માણસનુ ટોળુ ઢોરની જેમ ઢગલા પર ટુટી પડ્યું, ઢગલાની ઉંડેથી માંડવીની મુઠ્ઠીઓ ભરી ભરી ને સૌ ફોલવા મંડ્યા, પોણી - સવા- સાડી - કરતા કરતા હરાજી પુરી થઈ. આખા ઢગલાનો કચ્ચર ઘાણ કાઢી નાંખ્યો ને બધુ રમણભમણને વેરણછેરણ કરી દીધુ, મારો તો જીવ કપાઈ ગયો કે આટલી પારાવારને તનતોડ મહેનત કરીને મેળવેલી માંડવીની આવી હાલત.?? એકાદ કલાકની જહેમત પછી ઢગલો ફરીથી વ્યવસ્થિત કરી શકાયો. પછી એક વાગ્યે તોલ થયો, સાંજે ત્રણેક વાગ્યે વેપારીની પેઢીએથી હિસાબ પતાવીને થયા ગામભેગા તે વહેલું આવે ઘર.

માચિયાળા ગામનો મોર જેવો અન્ય લેખ વાંચવા ક્લિક કરો

 હરીપુરા ગામનો દિહાણ સીમ કેડો. 

 બુધ ૧૦/૮/૨૦૨૧ લેખન: ભરત ડી.ગજેરા આ લેખનો કોપીરાઈટ ભંગ કરનાર સામે કાર્યવાહી થશે.

ટિપ્પણીઓ

  1. ખુબ સરસ ગજેરા ભાઈ ધન્ય છે તમારી કલમ ને આવું જ આગળ લખતા રહો.....

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આપે લેખ વાંચન માટે સમય ખર્ચ્યો અને મારી મહેનતને બિરદાવી એ બદલ ખુબ આભાર

      કાઢી નાખો
  2. મન ની સ્મૃતિ ને કલમ થકી વાચા આપવી બહુજ મહેનત માંગી લે છે ભરત ભાઈ .....આપની કલમ ને બિરાદાવું છું. ....

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હા, કઠીન તો છે. પણ આપ જેવા વાચકોનું અંતરમન લેખકના શબ્દોને ફરીથી હુબહુ ચિત્રમાં પલટી જાણે એ જ અમારી સફળતા છે.
      ખુબ ખુબ આભાર

      કાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Information about Gajera surname

હરીપુરાનો દિહાણ સીમનો કેડો

વિરામચિન્હો સાથે સામ્યતા ઘરાવતા લોકો