Information about Gajera surname

ગજેરા શાખ વિષેની માહીતી


સૌરાષ્ટ્રના લેઉવા પટેલો મા લગભગ ૮૦૦ થી વધારે અટકો સામેલ છે, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ મા મુખ્યત્વે ત્રણ ફાંટા જોવા મળે છે.

જેમા ૧- "હાલારી"  જેના વડવાઓ ચરોતર તેમજ આસપાસના વિસ્તારમાં થી સૌરાષ્ટ્રના હાલાર પંથક મા વસવાટ કર્યો હોવાથી હાલારી પટેલ તરીકે ઓળખાયા.

૨ -"ગોલવાડીયા" પટેલના વડવાઓ એ ચરોતર તથા ભાલ વિસ્તારમાં થી ગોહીલવાડમાં  ( હાલ ભાવનગર જીલ્લો ) વસવાટ કર્યો હોવાથી તે લોકો ગોલવાડીયા તરીકે ઓળખાયા.

૩-"ગુજરાતી" પટેલ જે મધ્ય ગુજરાતમાં થી  સૌરાષ્ટ્રમા વસવાટ કર્યો હોવાથી ગુજરાતી પટેલ કહેવાયા.

મુળતો બધા પટેલો સમાન છે. આ ફક્ત જુના વખતની પ્રાંત મુજબ એક ઓળખ છે. મિત્રો માનવોનુ સ્થાંળતર અનાદી કાળથી ચાલતું આવ્યુ છે, સ્થાળંતર માટે મુખ્ય ભુમિકા હોય છે રોજીરોટી.. અન્યમાં કોઈ રોગચાળાના કારણે પણ સ્થાંળતર થતું હોય છે,

ત્યાર પછીના કારણમા કોઇ સાથે વેરઝેર હોય તો પણ શાણા માણસો મુળ જગ્યાથી.. દુર વસવાટ કરતા હોય છે.
જેમકે શ્રી કૃષ્ણ ભગવાને પણ મથુરા છોડી અને સૌરાષ્ટ્રના દ્રારકામા વસવાટ કર્યો હતો.

એવાજ કોઈ કારણોસર ગજેરા અટક ના વડવાઓ આજથી લગભગ ૪૦૦ વરસ પહેલા, હાલમાં ભરુચ જિલ્લામા આવેલ જંબુસર તાલુકાના ગજેરા ગામમાં થી સૌરાષ્ટ્રના હાલાર પંથકમા વસવાટ કર્યો હતો.

હવે અહિંયા આપણે હાલાર પંથક વિષે થોડું જાણી લઈએ.

શ્રી જામ રાવળે  ઈ.સ ૧૫૩૫ માં કચ્છ માંથી આગેકુચ કરી સૌરાષ્ટ્ર માં  આગમન કર્યું હતું. હાલારની સ્થાપના જાડેજા રાજપૂત જામ શ્રી રાવલજી લાખાજીએ ૧૫૪૦માં કરી હતી તેવું - ઈતિહાસકારો  જણાવે છે. એ નામ એમણે પોતાની પહેલા નવમી પેઢીએ જન્મેલા  શ્રી જામ હાલાજીના નામ પર "હાલાવાડ " એવુ નામ રાખ્યું હતું.

બ્રિટિશ શાસન દરમિયાન હાલાર વિસ્તાર કાઠિયાવાડનો પ્રાંત હતો. આ સમયે વિસ્તારમાં સંખ્યાબંધ રજવાડાઓનો આવેલા હતા જેમાં મુખ્યત્વે ૧-નવાનગર, = જામનગર ) ૨- મોરબી, ૩-ગોંડલ, ૪-વાંકાનેર, ૫-ધ્રોળ અને ૬ -રાજકોટ રજવાડાંઓનો સમાવેશ થતો હતો.
ઈ.સં.૧૮૮૫ ના સમયગાળા ના નકશા મુજબ
‎"હાલાર " :- એટલે પોરબંદરનો અમુક હિસ્સો બાદ કરતા   જામનગર જિલ્લાનો  તમામ વિસ્તાર તથા જસદણ તાલુકાનો નો થોડો ભાગ છોડી  હાલના રાજકોટ જિલ્લાના તમામ વિસ્તારનો સમાવેશ થતો હતો. -:
(2013 બાદ રાજકોટ તેમજ જામનગરમાં થી નવા જિલ્લાની રચના થઈ એ પહેલા જે વિસ્તાર હતો એ સહિત જાણજો.)

વધારે ઊંડાણથી સમજાવું તો એ સમયમાં  જુનાગઢ શહેર ની બાજુમાં હાલાર પ્રાંતની સરહદ આવેલી હતી. ગિરનાર પર્વતના ઉત્તર તરફના છેડા સુધી હાલાર પ્રાંત ફેલાયો હતો. ૧૯૦૧ માં આ વિસ્તાર ૧૯,૩૬૫ ચોરસ કિ.મી. વિસ્તાર ધરાવતો હતો, અને તેની વસ્તી ૭,૬૪,૯૯૨ વ્યક્તિઓની હતી.

~ ગુજરાતમાં કુર્મીઓનુ આગમન અને વિસ્તરણ...


ઈતિહાસના  લખાણ તપાસતા એવું જણાય આવે છે કે ૯મી સદીમાંજ ગુર્જરો સાથે ગુર્જર કુર્મીઓના એક સમુહે  મારવાડમા વસવાટ કર્યો હશે, ત્યાર બાદ ૧૦ મી સદીમા પાટણ ને  અડાલજ થઈ કુ્રમીઓનો (કણબી )એક સમુહ ચરોતરમાં  હરિયાળી  ભોમકાને પોતાના કૌશલ્યથી નંદનવનમા રુપાંતર કર્યો. અને એ  અરસામા જ ૨૦૦ વરસ જેટલા સમય  ગાળા  દરમિયાન પુરા દક્ષિણ ગુજરાતમાં ફેલાયા, ત્યાંથી સુરત વલસાડ નિઝર થઈ કાળક્રમે મહારાષ્ટ્રના ખાનદેશ, અને વિદ્રર્ભ સુધીના વિસ્તારમાં  ફેલાવો થયો.

ઇ.સં ૧૪૦૦ દરમિયાન કણબીમાં થી પટેલ નામ અસ્તિત્વમા આવ્યું. ત્યારબાદ ૧૭૦૩ માં જહાંગીર ના શાસનમા વીર વસનદાસ પટેલ ના પ્રયાસથી ચરોતરના પીપળાવ માં મોટો મેળાવડો ભર્યો હતો. જેમા જહાંગીરને પણ આમંત્રણ આપી તેડાવામા આવ્યો હતો, એના ચોપડામાં  "પાટીદાર" નામની નોંધ દાખલ કરાવી, ત્યાર બાદ  સમસ્ત ગુજરાતી કુર્મી સમાજ " પાટીદાર " તરીકે ઓળખાયો.

      ગજેરા ગામની સ્થાપના વિષે.
હાલના " વાંકળ પ્રદેશ " એટલે મહિસાગર અને ઢાઢર નદી વચ્ચેનો અને જંબુસરથી પુર્વ દિશાના પ્રદેશમા ગજેરા ગામની સ્થાપના અંદાજે  ‎ ઇ.સં ૧૧૦૦ થી  ૧૨૦૦ મા  થઈ હોવી જોઇએ એવું અલગ અલગ  લેખો તથા નોંધ  પરથી  જણાઈ આવે છે. 

અમુક   લેખોમાં ગામની સ્થાપના ( ઈ.સં ૮૦૨ )
અણહિલપુર પાટણની સાથે થઈ છે એ પ્રકારનો ઉલ્લેખ પણ જોવા મળે છે, એ મુજબ જોઈએ તો સ્થાપના વર્ષનો ગાળો બારસો વરસ જેટલો થાય,)
‎ હાલ સૌરાષ્ટ્રના " ગજેરા પરીવારના " વડવાઓએ  આ ગજેરા ગામમાંથી લગભગ ૧૬ મી સદીની આસપાસમાં સંભવત બે ભાઈઓ સહિત પોતાના પરીવાર  સાથે ગજેરા ગામ છોડી અને સૌરાષ્ટ્રના હાલાર દેશ તરફ પ્રયાણ કર્યા હશે,

( એ સમય ગાળામા ચરોતર પ્રદેશના ઘણા બધા ગામોમાં થી પાટીદારો એ સૌરાષ્ટ્ર તરફ સ્થાંળતર કર્યું હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને અત્યારના હાલારી પટેલોના વડવાઓ એ હાલાર પંથકની ભાદર નદીના કાંઠા વિસ્તારમાં પોતાનો વસવાટ કર્યો હશે,  ત્યાંથી કાળક્રમે  સમસ્ત સૌરાષ્ટ્રમાં ફેલાવો થયો. )
એક અંદાજ મુજબ ગજેરા પરિવારના વડવાઓએ ‎   ભાલમા ગોરસુ ગામે થોડો વખત રોકાણ કર્યું હશે, ઐતિહાસીક નોંધ પરથી એ  મુજબની જાણકારી પ્રાપ્ત થાય છે.

છેલ્લે ઈ.સં ૧૭૫૦ માં ધોરાજી ની આસપાસમાં તથા  માખિયાળાં ગામમાં થી ગજેરા પરીવારનો સોરાષ્ટ્રમા ફેલાવો થયો હશે, એમ જણાઈ આવે છે.


ગજેરા પરિવારમાં થઈ ગયેલા સુરાપુરાના થોડા નામ અહિંયા આપવાનો પ્રયાસ કર્યો છે. જેમણે પોતાના અમાપ બળથી આડોડીયાઓ તથા લુંટાઓનો એકલ પંડે સામનો  કર્યો, તથા ધર્મ અને સત્યને ખાતર પોતાના બલિદાન આપી, ગામ તથા સમાજમાં પોતાનુ નામ અમર કરી ગયા.

(૧). પુજય કાનાબાપા (માખીયાળા) :-

 પુજય કાનાબાપાની ખાંભી જુનાગઢ તાલુકા ના માખીયાળા ગામે સવંત ૧૭૬૭ ના વૈશાખ સુદ ૧૧ ને ગુરૂવારે ગામની વારે ચઢતા વીરગતિ પામ્યાં અને તેની ખાંભી સવંત ૧૮૧૬ ના કારતક સુદ-૧ ને રવિવારે બેસાડી હતી,  વીરગતિ ને પ્રાપ્ત થયા  બાદ ૫૦ વરસ પછી ખાંભી બેસાડવામાં આવેલ તેમ બારોટના ચોપડે નોંધ છે.

(૨). શેડુભાર ગામનાં સુરાપુરા (તા- અમરેલી ) :-

સવંત ૧૮૦૯ માં ગામ માખીયાળા થી સુરાપુરા કાનાબાપા ગજેરાના પરિવારના એવા રૂડાબાપાનો પરિવાર શેડુભાર ગામે આવ્યો, અને એમના દિકરા રાણાબાપા ગજેરા એ ગામનું તોરણ બાંધ્યું. રાણાબાપા દિકરા પુંજાબાપા ગીડા શાખના દરબાર ગીડા ધેલાના ખોરડે વીરગતિ પામેલ  જેની ખાંભી શેડુભાર ગામની નદીને કાંઠે વિક્રમ સવંત ૧૯૪૯ અષાઢ સુદ પાંચમને રવિવારે બેસાડેલ છે.  ‎શેડુભાર ગામમાં દેવાબાપા સુરાપુરા છે તેનો પાળિયો પણ ઠેબી નદીને કાંઠે બેસાડેલ છે. આ ગામમાં  સુરાબાપા, પાંતાબાપા અને પુંજાબાપાની ખાંભીઓ પણ આવેલી છે.  શેડુભારની બાજુમાં હરીપુરા ગામમાં અરજણ દાદા નો પાળીયો પણ આવેલ છે.

(૩). ગામ માખીયાળા સુરાપુરા વાઘજીબાપા:-
વાઘજીબાપા વિક્રમ સવંત ૧૮૨૫ માં તલંગણા ગામમાં
‎( જિલ્લો રાજકોટ )  બહારવટીયા સાથે ધીંગાણામાં મરાણા તેની ખાંભી આ ગામના પાદરમાં હતી ત્યાંથી માખીયાળા ધોરાજી રોડ પાણીના ટાંકા પાસે બેસાડેલ છે.

(૪). નાગવદર :- વાઘાબાપા સુરાપુરા (તા.ઉપલેટા)
વેણું નદીના કાંઠે આવેલા આ ગામમાં સવંત ૧૮૭૬ માં વાઘાબાપા ખેતરેથી રોંઢા સમયે ધરે આવતા હતા ત્યારે બહાર વટીયાઓ ગામની ગાયો વાળી જતા હતા તેની સામે ધીંગાણું કરી ગાયોને છોડાવી, પરંતુ ધીંગાણામાં બહારવટીયાની હાથે મરાણા તેમજ કુળની લાજ રાખવા રાધાબેન શહીદ થયેલ છે.

 (૫). ફતેપર સુરાપુરા લવાબાપા (તા.પડધરી) :-
પડધરી ગામનાં ફતેપર ગામમાં એજ ગામની એક જાન સવંત ૧૯૯૧ માં બીજા ગામ જતી હતી તેમાં લવાબાપા જાનૈયા તરીકે હતાં, તેમણે જાન ની લાજ તો બચાવી લીધી,પરંતું  લુટારાઓ સામે લડતાં લડતા સાલ પીપળીયા ગામે પોતાના પ્રાણ છોડયાં,

(૬).  સાલ, નગર પિપળીયા (  તા.પડધરી )
રિબડાથી ક૨મશી બાપાનાં દિકરા વાલાબાપા, ગોરાબાપા, જાગાબાપા આ ત્રણેય ભાઈઓ પણ ઠાકોર શ્રી મેરામણજીના રાજમાં રાજકોટ આવ્યાં,  ત્યાં બેડીપરામાં ઉતર્યા  જે આજે ગજેરાની ડેલી તરીકે ઓળખાય છે.   રાજકોટથી એક પાંખી વચલી ધોડી આવી, ત્યાંથી ફતેપર આવ્યાં અને માવજી મનજી ગજેરા અને તેના દિકરા જુઠાબાપા ગામ ચરોલ ફતેપર આવ્યાં આ પાળીનાં સુરાપુરા સાલ પીપળીયા અને નગર પિપળીયામાં બેઠા છે.

(૭). આલીધ્રા ગામના સુરાપુરા:-
શેડુભારથી ગામ ખમીદાણા (પંચાળા પાસે ) અને ત્યાંથી કેશોદ તાલુકામાં  આલીધ્રા ગામે અાવ્યાં, ‎ત્યાં વશરામબાપા ગજેરા ગામ માટે મરાણા તેની ખાંભી આલીધ્રા ગામે છે.

(૮). ગામ ગૌરીદડ સુરાપુરા ભીમજીબાપા (તા.રાજકોટ)
ગજેરા ભીમજીબાપા વિક્રમ સવંત ૧૯૨૦ મરાણા તેઓની સ્થાપના સુરાપુરા તરીકે થઈ ભીમજીબાપાની પોતાની જુની વાડીમાં (ખારામાં) ડેરી બનાવી ત્યાં  બેસાડેલ છે.

(૯ ). ગામ પીપળવા સુરાપુરા હરજીબાપા:-
પીપળવા ગામમાં હરજીબાપા ગજેરા ગાયોને બચાવવા જતાં ગાયો માટે મરાણા જેનો પરિવાર હાલ છે. અને વિક્રમ સવંત ૧૯૧૧ ની સાલમાં ગામ લાખાપાદરમાં બેસાડેલ છે.

(૧૦). ગામ તરઘડી સુરાપુરા કરમણબાપા: ( જી,રાજકોટ )
 આ ગામમાં કરમણ સામજી ગજેરા સુરાપુરા થયેલ છે જેની ખાંભી ગામ તરઘડીમાં નાથાબાપા ગજેરાએ બેસાડેલ છે.

(૧૧ ). ઢાંક–મે૨વદ૨:- ( તા.ઉપલેટા )
મે૨વદ૨માં હરદાસબાપાની ખાંભી છે. અને મેરવદર તણસવા રોડ પર ઢાંક ના પુંજાબાપા ગજેરાની ખાંભી આવેલ છે.

(૧૨). રાંદલના દડવા.( કુકાવાવ )
સુરાપુરા  રાજાબાપા ગજેરા વિ.સંવંત ૧૯૬૦ ના સમયમાં થયેલા તેની ખાંભી ગામના પાદરમાં છે.

( ૧૩). ગામ:- અકાળા, તા.-લાઠી, જી.-અમરેલી. :-
રણછોડબાપાના દિકરા લાખાબાપાએ કુળનું ભલુ ક૨વા માતાજી સામે દેહ ત્યાગ કર્યો.

(૧૪ ). રાણપુર:-
ગરવા ગિરનારને અડીને આવેલા આ ગામમાં  લાખાબાપા અને કડવા બાપાની ખાંભીઓ સુરવીરતા માટે પુજાય છે.



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હરીપુરાનો દિહાણ સીમનો કેડો

વિરામચિન્હો સાથે સામ્યતા ઘરાવતા લોકો