Sweet childhood —3 | we play in the lap of the villages

sweet childhood —3 | We play in the lap of the villages
રમતા'તા અમે ગામડા ની ગોદમાં..!

મારા બાળપણાની મધુર યાદો...ભાગ ~૩
ત્રીજા ધોરણ મા આવ્યા પછી ... અમને રમત ગમત ની ધુન ચડવા લાગી...એમાં મુખ્ય ગણાવું તો ૧—ગિલ્લી દંડા, ૨–ખુતામણી, ૩— બાકસની છાપ, ૪–અંટીઓ,૫–સાત ઠીકરી, વિગરે. એમાય સૌથી વધારે  ક્રિકૅટ નો વાવર દિમાગ માં ભરાવા માંડ્યો.... જો'કે  અમે તેને બૅટ–દડાં તરીકે જ જાણતા.!
સ્કુલ છુટ્યા પછી સાંજે અમે સાતેક જણા બેટદડે રમવાં જઈએ. આમ જા'ણે મોટા ખેલાડી ની જેમ ગામના છેડે જઈને રમવાનું.! અમારુ હરીપુરા ગામ. એટલે જાણે ખોબા જેવડું. મારા ઘર પછવાડે થી ~ ત્રણેક ખોરડાં મુકીને ચાલીએ એટલે અમારુ "ઈડન ગાર્ડન"

પણ, એમાં બેટ એટલે મારા ઘરનો કપડાં ધોવાનો ~ધોક્કો.'
અને સ્ટંમ્પ એટલે ૩- ત્રાહી-બાંગી બાવળની સોટીઓ (પાતળી ડાળી ના ટુકડાં ) ખેલાડીની થોડી માહિતી આપુ તો એમા જાણે એક હું, બીજો નરેશ ડાવરા હાઈટ ઓછી પણ  તોડ–જોડ કરવામા હોશિયાર. ત્રીજો દિનેશ આસોદરીયા એકવડો બાંધો લંબાઈ માં અમિતાભ બચ્ચન.!! પછી જયેશ ગજેરા,ભરત નાકરાણી તથા કદીક મારો ભાઈ નરેશ પણ હોય. અને બીજા બે'ક જણ અદલ બદલ રમવા આવતા.

આમ થોડાંક દિવસ મારા ~ધોક્કાથી કામ ચલાવ્યું. એ પછી અમારી ટીમનું વિસ્તરણ થતું ગયું.! એમા ગામનો નટીયો કરીને મિસ્ત્રીનો એક છોકરો  રમવાં આવતો, અમે એને વાત જણાવી કે તુ બેટ બનાવી આપીશ ??  એમણે તૈયારી બતાવી પણ એક માંગણી મુકી કે લાકડાની મોટી અને પહોળી પટ્ટી જોઈશે, તોજ એમાંથી બેટ બને! એટલે અમારી મુંઝવણ વધી કે આવી પટ્ટી કાઢવી ક્યાંથી ?? પણ ઊકેલય જલ્દી આવી ગયો, સાથે રમવા આવતા જયેશે પટ્ટી પોતાના ઘરેથી લાવી આપવાની જવાબદારી ઉપાડી.

👉અને એ રીતે તૈયાર થયું અમારી જીંદગીનુ સૌ પ્રથમ બેટ.
( આજના જેવું બૅટ તો નહીં ....પણ ટુંકમાં ધોક્કા કરતા ઘણું સારુ.!)

આની પહેલા અમે જે રમતો રમતા એને અત્યારની ભાષામાં જણાઉ તો કહેવાય ~ 'indoor game.'👈
પહેલું -બીજુ ધોરણ  ભણતા ત્યારેય અમારુ ખેલ જગત તો વિશાળ હતું જ.!!  એમા મુખ્ય નામ જણાવું તો ઘર-ઘોલકા,(બીજી એક રમત હતી વર-વહું ) નામ પ્રમાણેજ ઘરના ફળીયાંમાં રમાતી એક રમત એટલે ઘર~ ઘોલકાં.જેમા ગાયો-ભેંસો પણ હોય, અને એમના બચ્ચાય ખરા.!  તથા કુવો તો હોયજ..સાથે ખેતર અને પાણી પાવા માટે મશીન પણ ખરુ..!
આ બધું હોય, અને  માણસો ન હોય એવું કેમ બને.??

 હવે વિગતવાર સમજાવું તો..
🐄 ગાયો બનાવવાં  માટે માટલા ના કાંઠાનો ઉપયોગ કરાતો.એ સમય હતો કે ગામડાં માં દરેકના ઘરે પાણી પીવા માટે માટીના~ લાલ ગોળાનો ઊપયોગ થતો. માટલા નું પાણી એટલું મીઠું લાગે કે જા'ણે ટોપરાં નું પાણી પીતા હોય.! ઘરના પાણિયારે આવા રાંતા~ગોળા આંગણાની શોભા વધારતા હોય...એમ જાણે  મલકાતા હોય.! ઘણું કરીને ઘર દિઠ બે -બે માટલાનો વપરાશ જોવા મળતો. એટલે આવા ફુટેલા ગોળાના-કાંઠલા નો ઉપયોગ (લાલ) રાંતડી—ગાયો બનાવા માટે થતો.
  🐃
પછી આવે ભેંસો. તો એ જમાના માં છાશ ભરવાની –જાડાં કાંઠાની  કાળી દોણી આવતી. (આવી દોણીમાં ભરેલી છાશ એટલે જાણે ધરતી પરનું 'અમૃત' એમાં પણ જો માંડવી ની સિઝન ચાલતી હોય, અમે નાના હતા એ સમયમાં સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ વાવેતર થતું. એનો પુરો અંદાજો એ વાતથી મળશે કે ~ ઈ.સં ૧૯૮૭ ના, એ જમાના માં  મગફળી ઉત્પાદન માં આખા ભારત મા...સૌરાષ્ટ્રનો પહેલો નંબર આવતો.

મગફળી પાક ઊપર આવે એ દિવસો ખેડુતો માટે જાણે મોટો અવસર...! કેમકે આ મગફળીની ઉપજ આવે એની આવક માંથી જ આખા વરસનું ગુજરાન ચલાવવાનું હોય.!
🌿

સૌ પ્રથમ માંડવી ઉપાડવાંના કાર્ય થી સિઝન ચાલું થાય, એ પછી  ઉપાડેલ માંડવીના છોડને સુકાવા માટે આશરે  પંદર- સત્તર   દિવસ ખેતર માંજ પાથરાં કરી અને મુકી રાખવા પડે. મગફળીના પાથરાં બરાબર સુકાય જાય એટલે ખેતર વચ્ચે આશરેે ૪૦ ફુટ ઓરસ ચોરસ જમીનનુ સપાટ લેવલ કરી, અને ઉપર પાણી છાંટી  જમીનને દબાણ આપી કઠણ કરવી પડે. એને અમારી કાઠીયાવાડી ભાષા માં કહેવાય~ ખળું.


હવે મગફળીના છોડમાં થી શિંગ જુદી પાડવા માટે આ 'ખળાં' માં  એક ક્રુડ મશીન સાથે ઓપનૅર મુંકવામાં આવે.  ક્રુડ મશીન સાથે જોડાણ ધરાવતાં 'ઓપનેર' માં પાથરા ઓરતા જવાના એટલે  સીંગ,પાલો,ડાંઠીયા,માટીના જીણા ગાંગડાં, આ બધી વસ્તું ઑટોમેટીક જુદી પડતી જાય. આ ઓપનેર ની પાછળ કાંધુ તથા પાલો હટાવા માટે એક મજબુત વ્યકિતને રાખવામા આવે. અને ઓપનેર માં પાથરાં ઓરનારો પણ બળુંકો હોવો પડે.ઓપનેરની બે અલગ અલગ સુપડી માથી આવતી સીંગ તથા કાંકરા ના સુંડલા ઉપાડવા માટે એક નાનો છોકરો પણ  જોઈએ. તથા આઘે થી પાથરાં ઊપાડી લાવવા માટે બીજા સાતેક મજુરો પણ હોય.

અગાઉ કહ્યું; એમ,મગફળીની સિઝન એટલે કિસાનો માટે મોટો અવસર.! શુભ પ્રસંગે જેમ ઘરે લોકોનો મેળાંવડો જોવા મળે. એમજ આ મૌસમ માં સવાર પડતા જ લોકો ખેતર —વાડીઓ માં પહોંચી જાય. સાથે દાડીયા પણ હોય,જો  રજાનો દિવસ હોય તો છોકરાઓ પણ મોજ થી બળદ ગાડા મા બેસી જાય.અને સાથે હોય છાશ ભરેલી મોટી દોણી....સવારથી જ વાડીના પૈયામાં આવી છાશ ભરેલી દોણીને    જમીનમા ખાડો ખોદીને કાંઠા સુધી દાટી દેવાની, અને આસપાસ પાણી નાંખીનેે બરાબર ભીનુ કરી દેવાનું, ઉપર ઝાડનો ઘેઘુર છાંયડો હોય, સાથે વગડાં નો શીતળ વાયરો વાંતો હોય. એટલે ફ્રિઝ ની ઠંડકને પાછી પાડી દયે....વાલા. !! એમ કુદરતી રીતે દોણી ટાઢી બોળ થઈ  જાય. પછી બપોરે જમવા ટાણે આમાંથી છાશ કાઢી ને પીવાની.... ભાઈ ...ભાઈ !! )

"એતો જેમણે ગ્રામીણ જીવન માણ્યું હોય એમનેજ ખબર પડે..!"

આવી કાળા રંગની દોણીના કાંઠાના ત્રણ –ચાર જેટલા ટુકડાં કરવાના. મોટાં ટુકડાને ભેંસ તરીકે ઓળખીએ, તથા નાના હોય એ એમના બચ્ચા. આમ તો આવી સામગ્રી ઘરમાંથી જ મળી જતી હોય. નહિતર ઘર પછવાડે માટલાના ઠીકરા પડેલા જ હોય.
હવે જોઈએ માણસો કંઇ રીતે બનાવતા...??

એ જમાના મા કુવાંમાં થી પાણી ખેંચવા માટે, ક્રૂડ મશીનની બોલ બાલા હતી. દરેક વાડીએ આવા મશીનો ઠુક....ઠુક...કરતાં ગર્જતા હોય. એ મશીન યુગમાં શિયાળાં દરમિયાન બે મહિના જેટલુ પાણી લગભગ ઘણી-ખરી  વાડીઓમાં જોવા મળતું.ખેડુતો બે—ચાર વિઘામા વાવેતર કરતાં. લગભગ ઈ.સં ૧૯૮૭  પછીના સમય માં પાણી બાબતની ખુબજ તંગી પડવા લાગી.

( અમુંક ભેજાબાજ  ખેડુંતો ~એ મશીનના ધુમાડીયા ઉપર કાચની એક નાની શીશી બાંધે...થોડીક ત્રાંસી રાખીને તાર વડે કચકચાવીને બાંધી દે. ધુમાડીયાની હવા જોરથી ભરાવાના કારણે ઉપર બાંધેલી શીશી  તિક્ષણ અવાજ કાઢે. એટલે શું કે ખેતરમાં દુર સુધી કામ કરતા ખેડૂત ને મશીન વિષેની રજોરજ ની માહિતી મળતી રહે..જેમકે કુવામાં પાણી ખલાસ થઈ જાય, એટલે પે'લું મશીન ફાટફાટાં ઉપડી જાય. સાથે પેલી શીશીનો અવાજ પણ ખુબજ વધી જાય. આમ પાણી વાળતાં કિસાનને ખબર પડે કે હવે કુવામા પાણી ખલાસ થઈ ગયું છે. એટલે તાબડતોડ દોડીને મશીન બંધ કરી આવે.)
 
એ જમાનામાં ક્રુડ મશીનનો વપરાશ ખુબ હોવાથી મશીનના સ્પૅર પાર્ટ્સ તથા  જરુરી સામગ્રી ભરવા માટે લગભગ તો બધાના ઘરે એકાદી પત્તરાની ડબ્બા—પેટી જોવા મળતી..એમા નાના મોટા અને જાડા પાતળાં અગણીત નટ–બૉલ્ટ હોય.એમાંથી નિર્માણ થાય માણસો તથા નાના ટેણીયાઓ નું.
એમાય જાડાં -પાતળાં તો વળી કોઈ ઉંચા તો કોઈ ઠીંગણા એવી જુદી—જુદી ભાત હોય..!!

છેલ્લે જોઈએ ગ્રામ્ય જીવનનું અભિન્ન અંગ કુવા ની બનાવટ અને સાથે પાણી ખેંચવાની પાઈપ વિષેની આછેરી ઝલક..
કુવો બનાવવા માટે ઘરના ફળિયાંમાં જ અર્ધા ફુટ જેટલો ઉંડો   ખાડો કરવામાં આવે. એ ખાડાની  વચ્ચો વચ્ચ મોલીખડા ને  ખોપી દેવાનુ, અને ઉપરથી બીજો એકા'દ ઈંચ જેટલો  આડો ટુકડો જોડી દઈએ એટલે એ થઈ પાણી કાઢવાની લાઈન.(પાઈપ)

આ બધુ તંત્ર ઊભુ થયા પછી નાનકડું ખેતર કરીએ, એમા નાના નાના કેરા (ક્યારા ) પાડીએ,  એ કેરામાં પાણી પહોંચાડવા  ધોરીયો બનાવવો અનિવાર્ય હોય..! એટલે સાથે એક ધોરીયો પણ બનાવી કાઢીએ..! તો આ થયાં અમારા બાલ્યકાળ સાથે અતુટ યાદો ધરાવતાં ~~ "ઘર-ઘોલકાં"

Written by bharat Gajera.

ટિપ્પણીઓ

  1. વાહ ભરત ભાઈ તમારી બાળપણ ની યાદો વાચતા મને પણ મારુ નાનપણ સાંભરી આવ્યુ.

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Information about Gajera surname

હરીપુરાનો દિહાણ સીમનો કેડો

વિરામચિન્હો સાથે સામ્યતા ઘરાવતા લોકો