હરીપુરા ગામનો ઈતિહાસ
ઊગમણી દિશામાં તામ્રવર્ણા રંગમા જબોળેલ આભ કળાય રહ્યું હોય. વહેલી પરોઢે સંભળાતું ચકલીયોનુ સમુહ ગાન. ઝાકળથી લથબથ વૃક્ષોના લીલુડાં પાંદડાં. લહેરાતા મોલ પરથી આવતી ભીની ભીની ફોરમ. સીમ વગડાંમાં થી કોયલના ટહૂકારાં, વૈયા, તેતર, કલકલીયાની કોરસ મંડળીના સુર.
દેવમંદિરના ગર્ભગૃહમાં કર્ણપ્રિય તાલમાં રણઝણ વાગતી ઝાલર ને મધુરો ધંટનાદ. ગોધલીયાની ડોકે બાંધેલ જીણી ઘૂઘરીયુંનો રીમઝીમ રણકાર.
આવુજ ચિત્ર મનના પોલાણમાં ઊગી નિકળે જ્યારે આપણા કર્ણપટલ પર ગામડાંનુ નામ સંભળાય. સાથેજ ગામડાંમાં વ્યતિત કરેલા બાળપણના એ સઘળા અમૂલ્ય દિવસો જા'ણે નજર સમક્ષ ભજવાતા હોય એમ દિસે..!
જે ભોમકામાં મારા જીવનના બારેક વરસ પસાર થયા છે. એજ મારા ગામ હરીપુરાનો અહિં આછેરો ટૂંકો ઈતિહાસ માંડવો છે.
અમરેલી તાલુકાનું નાનકડુ અને રળીયામણું ગામ એટલે અમારુ હરીપુરા. આમ જુઓ તો આપણા પાટનગર ગાંધીનગર ને થોડાં અંશે મળતુ આવે.!
જો વિગતે જણાઉં તો ગાંધીનગરમા જેમ ચારે તરફ ચોકડીઓ પડે, એમજ અમારા આખા ગામમાં દરેક શેરીએ ચોક પડે, એ પ્રમાણે ગામની રચના કરવામાં આવેલી છે.
મિત્રો ગામની સ્થાપના આપણો દેશ આઝાદ થયો એ પહેલા ઈ.સં ૧૯૪૪—૪૫ ના ગાળામાં થઈ હતી. બિલખા સ્ટેટમાં આવેલા શેડુભારમાં થી અમારુ ગામ વસાવામાં આવ્યુ હતું.
કારણ હતું શેડુભાર ગામની સીમ નો વિસ્તાર ખુબ મોટો હોવાથી ખેડુતો ને ખેતરમાં કામકાજ માટે, આવ—જા કરવામાં ખુબ તકલીફ પડતી. આમ જુઓ તો એ જમાનામાં શેડુભારની જમીન લગભગ આઠેક કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાએલી હશે.
કારણ શેડુભારથી પાંચેક કિ.મી.ના અંતરે હરીપુરા વસાવ્યું. હાલ હરિપુરા ગામની જમીન ત્રણેક કિ.મી.દુર આવેલા સુરગપુરા ગામના પાદરમા આવેલી છે. હવે ગણો પાંચ ને ત્રણ બરાબર ૮ કિલોમીટર અંતર થયું.
એમ કહેવાય છે કે હરિપુરા ગામ બંધાણુ એ સમયમાં લોકો સાંજે પોત પોતાના ઘરમાં દિવો સળગાવી રાતવાસો કરવા શેડુભાર આવી જતા હતા. કેમકે પાત્રીસેક ખોરડાં માંડ હતા.
વડીલોના મોઢે સાંભળેલી વાત પ્રમાણે કહું તો બેઢાળિયા અને બેએક ઓરડાં વાળા કાચા ઘર હતા. રેઢીયાર ઢોર ને કુતરાની ટોળી અંદર ગરી ના શકે, એટલા માટે ઓરડાંની ચોતરફ બોરડી —બાવળની કાંટાળી વાડ્યો કરવામા આવેલી હતી.
એ સમય એટલે વિજળીનુ નામો નિશાન ના મળે કેરોસીનના દિવાઓના આછાં પ્રકાશમાં ગ્રામીણ જીવનની સાંજ ઢળતી.
અને આઝાદી કાળના એ દિવસો હતા કે, લુંટારાઓ અને બહારવટીયાઓ બેફામ બની સામાન્ય પ્રજાને લુંટતા અને રંજાડ કરતા. આવા કારણો થી નવા ગામમાં રાત્રી રોકાણ કરવું એટલે જાનમાલ નો પુરે— પુરો ખતરો. માટે આવી ઊપાધી કોણ વહોરે.? સાંજ પડે એટલે ગામવાસી રસ્તે પડે અને મનમાં કહે કે વહેલું આવે શેડુભાર. !
એ સમયમાં શેડુભાર પ્રમાણમા ઘણું મોટુ કહી શકાય તેવુ ગામ હતુ. બીલખા સ્ટેટના ઈતિહાસની નોંધ પ્રમાણે કહીએ તો. સાલ ૧૯૪૪ની વસ્તી ગણતરી મુજબ ૨૦૩૦ થી વધુ લોકો આ ગામમાં વસવાટ કરતા હતા.
( રૂડાબાપાના દિકરાં રાણાબાપા ગજેરાએ —શેડુભારનું તોરણ બાંધી અને ગામ વસાવ્યું હતું. આશરે ઈ.સં ૧૭૬૭ અથવા ૧૭૯૩ના સમયમાં ગામ વસાવ્યું હશે, એમ બે—ત્રણ અલગ અલગ ઐતિહાસિક નોંધો પરથી જણાઈ આવે છે.)
આસપાસના બીજા ગામોની વસ્તી જોઈએ તો ચિત્તલમાં ૪૩૨૭ જરખિયા ૧૨૧૬ જેટલો આંકડો દર્શાવે છે.
હવે થોડી માહીતી બિલખા સ્ટેટ વિષે જણાઉં તો. પ્રધ્યુમ્ન ખાચર નોંધે છે કે, (અંદાજે ઈ.સં ૧૭૯૨માં) ઓઘડવાળાના જન્મ સમયે તેમના પિતા વીરાવાળાને બિલખાનો ૧/૩ ભાગ જુનાગઢના નવાબે * કુંવર પછેડીમાં આપ્યો હતો. એ સમયે બિલખાનો રાજપુરુષ ભાયા મેર ખાંટ હતો.
થોડાં વરસો પછી ભાયામેર વિરુદ્ધ વીરાવાળા તથા તેમનો પુત્ર ઓઘડવાળા વચ્ચે એક મોટી લડાઈ મા બંન્ને પક્ષે ઘણી ખુંવારી થઈ. એમાં ઓઘડવાળા એ જીત મેળવી અને બિલખા પર કાયમ પોતાની સત્તા સ્થાપિત કરી.
આમ આશરે ઈ.સં ૧૮૦૦- ૧૯૪૭સુધી વાળા વંશની સાતેક જેટલી પેઢીએ બિલખા સ્ટેટ પર સત્તા ભોગવી. જેમાં સર્વ પ્રથમ —વીરાવાળાં
૧.ઓધડવાળાં
૨.સાતાવાળા.
૩. ભીમાવાળાં
૪. આલાવાળા
૫.રામવાળાં.
૬.રાવતવાળાં.
આમા ઉપર જણાવેલ ઓઘડવાળાંને સાતાવાળા ઊપરાંત બીજા બે પુત્રો પણ હતાં, આમ ભાઈ ભાગ પડતાં બિલખા શહેર અને બિલખા સ્ટેટ નીચે આવતા ગામડામાં, ત્રણ અલગ અલગ સત્તા ચાલતી હતી.
હવે અહીં ફક્ત રાવતવાળા વિષેની માહીતી આગળ ધપાવીશું, કારણ કે શેડુભાર અને હરીપુરા સહીત બીજા અમુક ગામડા રાવતવાળાંના ભાગે આવ્યા હતા.
રાવતવાળાનો જન્મ ૧૯|૧|૧૯૦૬ના રોજ થયો હતો. ૨૩|૭|૧૯૨૦ ના રોજ સત્તા સંભાળી. રાવતવાળાનુ રાજ્ય નાનું હતું. પરંતુ ૨૧/૩/૧૯૨૩ માં બિલખાનો એક ભાગદાર નાજાવાળા અપુત્ર અવસાન પામતા એ ભાગ ઈંગ્લેન્ડ સુધી લડીને પોતે મેળવ્યો. અને બિલખા રાજ્યનો વિસ્તાર વધારીને બિલખાને સ્ટેટનો દરજ્જો આપ્યો હતો.
રાવતવાળાંએ ખેડુતની માંગણીથી ખેતીની જમીનના દસ્તાવેજ કરી, ખેડૂતોને જમીનના માલિક બનાવ્યા હતા. પરીણામે ખેડૂતો ખેતીમાં બેવડાં ઊત્સાહથી કામ કરવા લાગ્યા હતા. માટેજ આ ધારાને રાવતહક્કધારો એવું નામ પ્રાપ્ત થયું હતું.
રાવતવાળએ પોતાની રાણી દેવકુંવરબાના નામ પર મેંદરડાં પાસે દેવગઢ નામનું ગામ વસાવ્યું. અને અમરેલી જિલ્લામાં હરીપુરા ગામ વસાવ્યું જે તેમના કુંવર હરિશ્ચંદ્ર સિંહજીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. બીજા કું,કિશોર સિંહજી પરથી કિશોરગઢ તથા યુવરાજ જસંવત સિહજી પરથી જસંવતગઢ નામના ગામ વસાવ્યા હતા. આ રીતે તેમણે ચાર નવા ગામો વસાવ્યા હતા. અને સુધારાવાદી અને દુરંદેશી રાજકર્તા તરીકે સારી નામના મેળવી હતી.
ગામના ગલઢેરાના મોઢેથી સાંભળેલી અને અંદાજે ઈ.સં ૧૯૫૦—૫૧ ની સાલમાં બનેલી એક કરુણ ધટના
;- સુર્યનારાયણ નિજ ઘેર પહોંચી ગયા છે. લોકો વાળું —પાણી કરીને પરવારી ગયા છે. બાળગોપાળ પોતાની પથારીએ પડ્યા છે. દિવડાંના આછાં અંજવાળે ગલઢેરાંઓ એકબીજાં ના ઘરે —ફળીયાંમાં ઢોલિયા ઢાળીને બેઠાં છે. મીઠી વાતડીયું મંડાણી છે..!
આવે ટાંણે ગામના પાદરમાં બેનાળીના ધડાકા સંભળાયા.
વાત એમ હતી કે, કુખ્યાત *ભુપત બહારવટીયો ગામના નરશી આતા નાકરાણીની પાણીદાર ઘોડીની ઉઠાંતરી કરવા આવ્યો હતો.
ગામવાસીઓને ડરાવા માટે પાદરે આવી બંધુકના બે—ચાર ભડાંકા કર્યા. એ દરમિયાન નરશીઆતા ના ઘર સામે જ રહેતા, અરજણદાદા ગજેરા —ગામથી પોણોક કિલોમીટર છેટે પોતાની વાડીએ રખોપુ કરવા ગયા હોય. આ બંધૂકોના ભડાકા સાંભળ્યા, એટલે તાબડતોબ એ પોતાના ઘર તરફ એમ વિચારીને રવાના થયા કે, નાના છોકરાં ઘરે એકલા હોવાથી ડરી જશે.
ગામમાં પહોંચતા પોતાને પંદરેક મિનિટ લાગી હશે. એટલા સમય દરમિયાન આ બાજુ છ જણાની ઘાડપાડું ટોળકીએ, નરશીઆતાના ઘરમાં છાનબિન કરી પણ ઘોડી હાથ ના લાગી. એટલે નિરાશ થઈ ભૂપત અને તેના માણસો બરોબર અરજણદાદાના ઘરના ઝાપા સામેજ ઊભા હતા.
રાત્રીનુ કાળુંમેશ અંધારુ અને અરજણદાદાની વયોવૃદ્ધ ઉમરના કારણે દુરની નજર કાચી પડી.. આશરે ત્રણસો ફુટ આઘેથી સામે આવતા માણસ પર બહારવટીયાએ નજર નોંધી.
ઊતાવળાં ડગલે પોતાના તરફ ઘસી આવતા એકલપંડ માણસને— બહારવટીયાએ એક—બે વાર હટવાનું કહ્યું પણ...પોતે કશું સાંભળ્યું ના હોય, એતો નિર્ભય ચાલ્યે આવતાં હતાં.
એટલે બહારવટિયાને કદાચ ડર પેઠો હશે. કે રખેને નજીક પહોચ્યા પછી આ માણસ અમારા પર હુમલો કરી વાળે.. તો ? છેલ્લા ઊપાય તરીકે બહારવટીયાએ અરજણદાદા ને બંદૂકની ગોળી મારી દિધી.
આવી અણધારી ઘટનાથી બહારવટીયાઓ પણ હબક ખાઇ ગયા..! ત્યાર બાદ ભૂપતની ટોળકી પોબારા ગણી અલોપ થઈ ગઈ..!
આવી રીતે અરજણદાદાનુ મરણ થયું. અને ત્યારબાદ મરણ સ્થળે પોતે પાળીયા તરીકે બેસવા માટે ઈચ્છાં રાખી. એટલે એ સ્થળપર તત્કાલિન સમયે નાની દેરીમાં ખાંભી બેસાડવાંમાં આવી હતી.
હમણા થોડાંક વર્ષ પહેલા જ ગામ ધુમાડાંબંધ જમાડી, દેરીનો જિણોદ્ધાર કરી અને મોટુ મંદિર બનાવેલ છે. આજે ઘણા વરસોથી આ પાળીયાની સવાર સાંજ નિત્ય પુજા કરવામાં આવે છે.
---> ઈતિહાસના ચોપડે વાંચેલી નોંધો અને ગામના વડીલો પાસેથી સાંભળેલી વાતોના આધારે હરિપુરા ગામનો ટુંકો ઈતિહાસ આપની સમક્ષ રજુ કર્યો છે. કોઈ ભૂલચૂક હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી.<---
— Bharat D. Gajera.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you