શેરડીની લાલચ
અતિ આનંદાયક દિવસો અને ડરામણી ઘટનાઓ આપણા બાળમાનસ પર અતિ ઊંડી છાપ અંકિત કરી જતી હોય છે કે, જેની યાદો આજીવન વિસરી શકાતી નથી. તેવી જ રીતે આનંદ ખાતર કે, લોભ—લાલચને વશ થઈ માનવી વણજોઈતી મુશ્કેલીઓમાં પણ મુકાઈ જતો હોય છે. આ આપણી સૌથી મોટી નબળાઈ ગણી શકાય. મારા નાનપણ આવોજ એક અનુભવ આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છુ. આશા છે કે, આ લેખ વાંચીને તમને પણ થોડી ઘણી પ્રેરણા મળી શકે.
આ એ સમયની વાત છે, જ્યારે મારી ઉમર આઠેક વરસની હતી. ફાગણ મહિનાની બપોરનો લગભગ ચારેક વાગ્યાનો સમય હશે. એવા ટાણે હુ મારા ઘરની પાછવાડે નાની ખડકીએથી નીકળી, પડખેના ઘરના ખુણે શેરીમાં સ્થિત વીજળીના થાંભલે એક પગ ટેકવીને ઉભો હતો.
થોડીવારમાં જ હિતેશ અને ભીખુ નામના બે મિત્રો મારી તરફ આવ્યા. એ મારા મિત્રો તો ના હતા પણ પડોશી હોવાના નાતે ઘણી વખત અમે ભેગા રમતા રખડતા. આમ તો આ બંન્ને મારા થી બેએક વરસ મોટા હતા. બંન્ને જણા મારી પાસે આવ્યા, એમાથી ભીખુએ મને પુછ્યુ ; " ભરત હાલ મારી વાડીએ શેવડી ખાવા આવવુ સે "
હુ જ્યા ઉભો હતો તે શેરીના થાંભલાની સામે ભીખુના ઘરનો ખુણો પડે.
શેરડીનું નામ પડતા જ ભલભલાના મોં મા પાણી છૂટે એવો એ સમય હતો. કેમકે આખા ગામમાં થી ગણીને માંડ વીસેક વાડીઓમાં થોડુ પિયત થાય તેટલુ પાણી હોય.
એમા વાડી દિઠ એકાદ ક્યારો શેરડીનો વાવે. તેમાથી ફક્ત ઘરના સભ્યો શેરડીનો સ્વાદ માણતા હોય. વારતહેવારે કદીક પડોશીઓને બે ચાર રાડાની લ્હાણી પણ થતી હોય,
એટલે શેરડીના નામથી મારા મોંમાં લડ્ડુ ફુટ્યા,અને આમ પણ ભીખુને વાડીએ શિયાળા પુરતુ પિયતનુ થોડુ ઘણું પાણી રહેતું એ મને ખબર. એટલે મને થયુ કે આ મોકો ઠુકરાવા જેવો નથી. આવુ વિચારીને હું તો રાજી થતો જવા માટે તૈયાર થઈ ગયો. મે કહ્યુ ; "હાલ હુ આવવા તૈયાર છુ "
ત્યાર બાદ અમે ત્રણેય જણા ગામથી દક્ષિણ દિશા તરફ ખારામાં થઈ ચાલતા ચાલતા ભીખુને વાડીએ પહોચ્યાં.
ત્યા પહોચ્યા એટલે મે જોયુ કે ભીખુનો ખેતીકામ કરનાર સાથી જે બળદો જોડીને કોરા ખેતરમાં સાંતી જેવુ કંઈક હાંકતો હતો.
વાડી પૈયામાં જઈએ એટલે જમણી બાજુ એક આંબલી અને ત્રણેક ઉંચી તોતિંગ પીપરો હતી. ડાબી તરફ પાકો બાંધેલો કુવો અને પાકુ થાળુ ને મંડાણ.
અમે ત્રણેય વાડી પૈયામાં જઈ ઉભા, પછી ભીખુએ ચતુરાઈ આદરી સરળ રીતે ચડી શકાય તેવી આંબલી પર ભીખુ ચડી ગયો અને ઘણે ઉંચે જઈ દુર ખેતરોમાં ચારે તરફ નિરક્ષણ કરી જોયું.
અમને કોઇ બાબતની જરા પણ ભનક નહીં કે આ—ભાઇ શુ ગુપ્ત કાર્યવાહી કરી રહ્યા છે.
પણ કુવાની આસપાસ નઝર કરતા મને જરાક અંદાજ તો આવ્યો કે આના ખેતરમાં ક્યાય શેરડીનો વાડ તો દેખાતો નથી...
આપની જાણ ખાતર કહીં દઉ કે ખાસ કરીને અમારા કાઠીયાવાડમાં શેરડીનો વાડ કુવાની નજીક જ હોય. એટલે કોઈ પણની વાડીમાં પ્રવેશ કરો અને કુવાની આસપાસ નઝર કરો એટલે પાકો અંદાજ આવી જ જાય કે આ વાડીએ શેરડીનો વાડ છે કે નથી.
હજી હુ અને હિતો કંઈક બીજો વિચાર કરીએ એટલી વારમાં ભીખુભાઈ વિજળીની ગતિએ આંબલી નીચે ઊતર્યા.
અને અમને બંન્ને કહે "હાલો હવે સેવડી ખાવા જાઇ"
અમે ત્રણેય જણાએ ફરી પાછી ખુલ્લા ખેતરમાં પૈદલ યાત્રા ચાલું કરી, ઉગમણી દિશા તરફ ધુળ અને ઢેફા ખુંદતા વિજય કુચ આદરી, જોતજોતામાં ભીખુનું ખેતર પુરુ થયું. શેઢો ઓળંગી અને અમે બાજુના બીજા ખેતરમાં પ્રવેશ કર્યો.
અમારા મનમાં તો શેરડીનો મીઠો રસ રમતો હતો , એટલે આવા શેઢા બેઢા કંઈ મગજ માં આવે ખરા ?? અમે તો જાણે અર્ધ બેભાન જેવા થઈ ગયેલા મગજમાં માત્ર શેરડીના ચિત્ર જ દેખાતા હતા.
થોડીવાર એ બાજુ ખુલ્લા ખેતરો માં ચાલ્યા હોઈશું. ત્યાજ નજીકમાં બીજી વાડી, કુવો અને કુવાની બાજુમાં શેરડીનો વાડ લહેરાતો અમે દિઠો.
પછી તો હૈયું હાથમાં રહે ખરુ ?
જેની માટે આટલી ટાંટીયા તોડ કરી એ ખજાનો હવે અમારી નઝર સામે જ હતો.
અમે ત્રણેય જણાએ વધુ વિચાર કરવામાં સમય ના બગાડતા તાબડતોડ અડાબીડ વાડમાં પ્રવેશ કર્યો.
અને વાડમાં થી સારામાં સારા બે બે સાઠા ( શેરડીના જાડ )
મુળમાંથી બટકાવી લીધા.
પછી બહાર નીકળી અને શેરડીના આગળા કાપીને થોડી સાફસફાઈ કરી, અને વિજય અદામાં હાથમાં સાઠા ઝુલાવતા ઝુલાવતા જેવા વાડી પૈયાની બહાર નિકળ્યા કે દક્ષિણ તરફની દુર દિશામાં થી એક જોરદાર હાંકલો અમારા કાને પડ્યો.
" એલા એય..."
અમે ઘ્રુજતા ઘ્રુજતા હાકલાની દિશા તરફ નજર કરી તો વાડીનો માલીક ઘોહાબાપા પોતેજ, બાજુમાં બીજાના ખેતરમાં કંઈક હલ્લર હાલતું ત્યા ઊભેલા.
ત્યારે અમારી બેશુધ્ધિ ખુલ્લી પડી કે અલ્યા આ તો ભીખલાની નહીં પણ ઘોહાબાપાની વાડી છે. માર્યા ઠાર આ તો હવે ચોરી કરી કહેવાશે. હવે શુ કરવુ ?
એટલી વારમાં ઘોહાબાપા એ બીજી બુમ મારી
કે, "એલા ઉભા ...રેજો એય "
પછીતો ઈ શેરડીના રાડા પૈયામાં ક્યારે ફેકી દિધા એય ખબર ના પડી મે અને હિતાએ તો મુઠીઓ વાળી ભીખાનુ ખેતરને મેલ પડતું એને બદલે મુળજીઆતા ગજેરાની વાડી બાજુ ઉત્તર દિશા તરફ ભાગવા લાગ્યા.
ભાગતા ભાગતા ભીખલો મારો બેટો કહે "હુ તો અમારા સાથી ઉકાબાપા પાહે જતો રવ સુ " પછી અમે મનમાં કહ્યુ જા હાલતો થા, અમને ખોટુ બોલીને શેવડી ખાવા લાવ્યો અને હવે ખરા સમયે સાથ છોડી દેશો.
પણ અમારુ તો ગભરાટના માર્યું ગળું સુકાવા લાગ્યું, મનમાં તો ઘણો પસ્તાવો થાય કે આવી ક્મ્મત ક્યા સુજી, નાનકડાં ગામમાં હવે આપણી શુ ઈજ્જત રહેશે, બાપાને ખબર પડશે તો આપણે તેમની નજરમાં થી નીચા પડી જઈશુ કે ચાલાઓ ચોરીઓ કરવાની ક્યાથી શિખ્યા.??
આપણા બાપાની પણ ગામમાં ફજેતી થશે કે તમારા છોકરાંના આવા સંસ્કારો. દોડતા દોડતા ઘણા નબળા વિચારો આવે કે ઘરતી માગ આપે તો અહીંયા જ સમાઈ જઈએ, હવે આપણી દુનિયા તો જાણે બરબાદ થઈ ગઈ.
આમ ખુલ્લા ખેતરમાં દોટ દિધી કે ક્યારે ઘર આવ્યુ એય ખબર ના રહી.
સાચેજ ભગવાન ભાળી ગયા.
શેરડી તો ના મળી પણ એક સબક મળી.
તે દી નો દિવસને આજની ઘડી આજે ત્રીસેક વરસો પછીય કોઈ દિવસ કોઈનુ ખોટુ કરવુ કે ચોરી કરવી એવો સ્વપ્નેય વિચાર નથી આવતો.
પણ ત્યાર પછી અમે ગાંઠ વાળી કે ભીખુની કે કોઈ પણ અન્યની અતિ લલચામણી વાતોમાં કદી ભરોસો કરવો જ નહીં.
— Bharat d. Gajera
Good job Bharat gajera Saab. I liked
જવાબ આપોકાઢી નાખો