ગામનુ રળીયામણુ પાદર



 રોઢા ટાણે પાદરના નાનકડાં ઢાળે અને ગામની શાળા સામેથી પસાર થઇએ એ સાથે જ અમારા કાને રુડાં પીહ...પીહ..પી ના સ્વર ગુંજતા, પાદરની મહાકાય ઘેઘુર પીપરો પર ઉંચે નઝર કરતા રાતા મનોહર કાંઠલા ધારણ કરેલાને રાતી ચાંચ વાળા પોપટના ટોળા જોઈ શકાતા.!
Padar no pipal otlo

પાદરમાં વિલાયતી નળીયાવાળી પંચાયતની મોટી જાજરમાન ઓફિસ હતી.

 તેની ડાબી બાજુ થોડાં અંતરે નાનકડુ ચોગાન ધરાવતી જુની પ્રાથમીક શાળાના મજાના બે ઓરડા હતા, તેની પાછળ મોટુ જબ્બર મેદાન, તેના છેડે ચાર ઓરડાવાળી બીજી નવી નિશાળ હતી, બસ આ ત્રણેય સરકારી મિલ્કતની પાણાની દિવાલોમાં પડેલા બાકોરા તેમજ નળીયા અને દિવાલના સાંધામા રહેલી જગ્યાઓમાં આ પોપટ વંશનુ રહેઠાણ,  ખાવા પીવા માટે તો આથમણી દિશામાં પાકથી લહેરાતા ખેતરો. જ્યાં મન પડે એ ખાઈ પીએ, રોંઢા ટાણે પાછા પાદરમાં આવી પહોંચે તે છેક સાંયકાળ સુધી આનંદ કિલ્લોલ કરતા પીપરો ની ડાળીઓ પર ઝુલતા વળી ઉડિને માળામાં રાહ જોતા બચ્ચા પર વ્હાલ વરસાવી આવે......!!
દિ' આથમે એટલ પોતે પોતાના માળામાં બાળુડાની સંગાથે રાત્રીની મીઠી નિંદર માણે તે વહેલુ પડે સવાર..!!


આપની જાણખાતર અહિં એક ઉલ્લેખ કરુ છુ, કે પોપટ પોતાના માળા કદી જાડ પર બનાવતા નથી. તેઓ ફક્ત દિવાલો તેમજ ઘરના કનેરિયામાં જ રહેઠાણ બનાવે છે, એવા જ બીજા પક્ષીઓમાં કબુતરો તથા કાબરો વૃક્ષો પર નહિ પણ મોટે ભાગે કુવામાં જ માળા બનાવે છે, પરંતુ હવે વાડીઓમાં કુવા નામશેષ થઈ ગયા હોય, રામ જાણે આ ભોળુડા પંખીઓની શુ દશા થઈ હશે.?

પીપરોના પહોળા ઓટલે શ્વેત વસ્ત્રો શ્વેત પાઘડીધારી વૃધ્ધોની જમાવટ હોય. ઓટલા નીચે ભારેખમ ચામડાના જોડા પડ્યા હોય, તેનુ વજન કરો તો પાક્કુ દોઢ દોઢ કીલો થાય. વળી વાંકી કોકની આંકડાવાળી નેતરની લાકડી ઓટલે ઝુલતી પડી હોય, અલકમલકની વાતો કરતા મોજુ માણે. પોતાની જુવાનીકાળની રસીલી યાદો વાગોળતા અતિતમાં સરી પડે..!
છ- સાત દાયકા વળોટી ગયેલા આ વૃધ્ધોમાં કોઈનું  બચપણ શેડુભારની ભુલભુલામણી શેરીઓમાં વિતેલું હશે.
તો વળી કોઈનુ જરખિયામાં.


કેમકે આ વાત મારા બાળપણ  ૧૯૮૭ વખતની કહી રહ્યો છુ, પણ અમારુ ગામ બંધાણુ ઈ.સં ૧૯૪૫ માં. શેડુભાર ગામમાંથી હરીપુરા નામનુ નવું ગામ વસાવ્યુ હતુ. એટલે જ મોટાભાગના લોકો શેડુભારથી આવ્યા હતા. તો બાકિના દસેક પરીવાર જરખિયા ગામથી આવેલા છે.

વળી સાંજ પડ્યે ખેતરે થી ખેડુઓના ગાડાં ઘર તરફ આવતા હોય, બળદોની ડોકે રણઝણતા ઘુધરાંને ઘુઘરુઓનો ઝીણો તાલ વાતવરણને યાદગાર બનાવામાં મોટો ભાગ ભજવતો થઈ પડે એ વાતમાં બેમત નથી.! પંખીડાનો મીઠો કલરવ પશ્વિમ દિશાકોર ક્ષિતિજને મળવા દોડી રહેલો રતુમડો ભાણ, નિરભ્ર ગગનમાં  વાદળીયોના પડતા સોનેરી લહેરીયા ગ્રામીણ સાંજને વધુ ને વધુ સોહામણી બનાવાની તજવીજ કરતો હોય તેવુ લાગે..!

પાદરથી આથમણે શેડુભાર તરફ જતી કાચી સફેદ સડક વાંકાચુકા લીસોટા રુપે ભાસે. અમારો પંથક સુકો એટલે સીમમાં વૃક્ષોની લીલોતરી ખુબ ઓછી નજરે પડે. પડતર જમીનોમાં તેમજ સડકને કાંઠે આછેરા પરદેશી બાવળીયા પીળા પૈડ્યાના ઘુઘરા ખખડવતા ઉભા હોય.

દેશી બાવળ, બોરડી , આંકડા  આવળ, શેઢે- પાળે થોર, ખારામાં બે'ક કેરડાના ઢુવા,  દરેક વાડી પૈયામાં બે ચાર પીપરો અને બાકીના ક્યાંક પારવા પારવા લીમડાં હોય. બસ આ થયું અમારા સીમ પંથકનુ વનસ્પતિ જગત,


મગફળીની મોસમ ટાંણે સાંજ પડતા જ પાદર મનેખના કોલાહલથી ઘમઘમતું હોય. દિવાળી પછી મગફળીનો પાક લેવાતો હોય એ સમય દરમિયાન ભાલ પંથકમાંથી ખેતમજુરો અમારા ગામમાં એકાદ મહિનો દાડીયુ કરવા આવતા, એટલે મહિના પુરતું આખુ પાદર પરીવાર દિઠ અલગ અલગ ઉતારાથી ઉભરાય પડે.

ગામડાંની ટાઢમાં ખુલ્લા આભ નીચે રાતવાસો કરવા માટે ઓઢવા પાથરવાનુ પર્યાપ્ત માત્રામાં રાખવુ પડે,  તેથી જ તેઓના સામાનમાં મોટા ભાગે ગોદડાનો જથ્થો વધુ જોવા મળે.  જરુર પુરતી બીજી ઘરવખરી લઈને પચાસ સાઠ જેટલા સહપરીવાર પાદરનેજ પોતાનુ ઘર સમજીને આનંદ મંગલ કરતા જોવા મળે,

દિ' આથમતા જ  દરેક ઉતારે મંગાળાની આગની સોનેરી જવાળાઓથી શેકાતા જાર -બાજરાના  મધુરા રોટલાની સોડમ ફુટી નિકળે, સાથે હોય રીંગણ બટેકાનુ શાક, ડુંગળી, છાશ અને  તમતમતા સંભારીયા મરચાનો સ્વાદિષ્ટ દેશી જાયકો.

મોટા ભાગે તો જે  ખેડુતને ત્યા મજુરીએ ગયા હોય, તેમની વાડીએ થી જ લીલોતરી શાકભાજી તેમજ લીલા મરચા મળી રહેતા હોય. આમ પણ અમારા સૌરાષ્ટ્રમાં  દાડીયાને બપોરે નુ ભાણુ ખેડુતના ઘરેથી જ આપવામાં આવતુ, તે ઉપરાંત સવારે અને રોંઢે બે ટાઈમ ચા પણ પિવરાવવામાં આવતી, એટલે જ કહેવાય છે કે, ભાઈ કણબીનો રોટલો મોટો.


પાદર સાથે અમારો કાયમનો નાતો, કેમકે નિશાળે ભણવા જઈએ એટલે પાદરના દર્શન અચુક થવાના જ.
ખાસ કરીને ઉનાળુ વેકેશન એટલે બાળગોપાળોનો પડાવ પાદરની પીપરો. ચટણી મીઠાની પડીકીઓ લઈને ભાઈબંધો સાથે અમેય પીપરોના કુણા પાનનો કોલ ખાવા જતા, આમ બાળપણથી અમને તોતિંગ ઝાડ પર ચઢવાની કળા હાંસિલ થઇ, પણ અમે તરણકળા કદી મેળવી ના શક્યા, કેમકે અમારા ગામમાં નો'તી કોઈ નદી કે નો'તુ તળાવ.


એક વાત  મને ખાસ જોવામાં આવી છે કે સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાત પંથકમાં ગામેગામ નાના મોટા તળાવો જોવામાં આવે છે. આ રીતે વરસાદી પાણી સંગ્રહ કરવાનો આશય મને ઘણો ચાતુરીભર્યો લાગ્યો.  આપણા સૌરાષ્ટ્રમાં જુનાકાળથી જો ગામે ગામ તળાવ બનાવાની પરંપરા હોત તો છેલ્લા ૨૫ વરસથી પાણીની જે વિકટ સમસ્યા ઉદ્ભવી તે મહદઅંશે ખાળી શકાય હોત.!!  પણ ખેર...

આકાશ સાથે વાતો કરતી પાદરમાં સાતેક પીપરો હતી.   સરહદનુ રક્ષણ કરતી હોય તેમ ત્રણ જેટલી પીપરો ગામના પાળે સજ્જડ ઉભેલી જોવા મળે. પાદરના ચોગાનમાં છુટીછવાઈ ચાર પૈકી બે પીપરોના થડીઆની ચોતરફ બે ફુટ ઉંચાઈ ધરાવતું પાકા ઓટલાનુ બાંઘકામ હતુ.


જુનાકાળના માણસો ઘણી કોઠા સુઝવાળા હશે, જેમણે પણ ઝાડના થડની ચારેબાજુ આવા કાચા-પાકા ઓટલા ચણવાની પહેલ કરી હશે, તેને ખુબ ખુબ ધન્યવાદ, આવા ઓટલાનો એક મોટામાં મોટો ફાયદો વંટોળ કે વાવાઝોડામાં ઝાડના મુળીયાને મજબુત રક્ષણ આપવાનો.  અને આ ફાયદાને ધ્યાનમાં રાખીને જ ઓટલા નુ નિર્માણ કરવામાં આવે છે.

માટે જ ઓટલાથી રક્ષિત વૃક્ષો લાંબી આવરદા પ્રાપ્ત કરે છે.

મારુ તો માનવુ છે કે વૃક્ષોને  બચાવવા હોય તો દરેક મોટા તોતિંગ ઝાડની ચોતરફ ફરીજીયાત પાકા ઓટલા બનાવાનો    સરકાર નિયમ અમલમાં લાવે.  બીજો ઉપયોગ પાકા અને પહોળા ઓટલે શીતળ છાયામાં માણસો નિરાંતે બેસી શકે તેમજ થાકેલા પાકેલા લોકો માટે શરીર લંબાવીને આરામ કરવાનો કુદરતી વૈભવ પણ માણી શકે..!!

ઉપર જણાવ્યા સિવાય આથમણી તરફની સડકથી ગામમાં પ્રવેશ કરો એટલે પાળાના ગળાને પાર કરતાજ ડાબે પડખે  નાનકડા ચોગાન વચ્ચે દક્ષિણ બારનુ ગામના બાલમંદિરનુ મકાન નજરે ચડે,
બાલમંદિરની દુર સામેની તરફ પાળાને અડીને ઉગમણા મોઢે જગતના નાથ શિવજીનુ  મંદિર છે.  ઉંચા શિખરબંધ મંદિરની ચારોબાજુ પાકો પડથાર વાળો ઓટલો. મંદિરની દક્ષિણ બાજુ  પુજારીનુ ગાર્ય -માટીનુ  નળીયાવાળુ ઘર હતુ,

અધિક શ્રાવણ માસમાં આ શંકર મંદિરે ગામની વૃધ્ધ મહિલાઓ ગારાનો કાનુડો બનાવે. રોજ સવારે સર્વે વૃધ્ધાઓ ગોપીભાવે સ્નેહપુર્વક પુજા અર્ચન કરે, આમ ગામનુ ગોદરુ એક મહિના પુરતુ ભક્તિમય રંગ ધારણ કરે, અને અધિક માસની રંગેચંગે ઉજવણી થાય....
અંતે કાનુડાંને નિર્મળ જળમાં પધરાવી આવે. અને સૌ સ્ત્રીઓ મીઠા સંભારણા વાગોળતી રોજબરોજના કાર્યમાં ગુંથાય જાય.

બસ આ છે, મારા ગામના પાદરનુ બારે મહિનાનુ રંગરુપ અને ભૌગોલિક સ્થિતીનુ રુડુ વર્ણન.

આજે થોડાં ઘણા ફેરફાર સાથે પાદરમાં આ બધુ જ છે,
પણ નથી તો હવે ફક્ત અમારુ મોંધેરુ બાળપણ...!!

૧૫/૨/૨૦૨૦.

- ભરત ડી, ગજેરા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Information about Gajera surname

હરીપુરાનો દિહાણ સીમનો કેડો

વિરામચિન્હો સાથે સામ્યતા ઘરાવતા લોકો