મને ગમતુ ! ગ્રામીણ જીવનનું મોંઘેરુ બાળપણ.
સુંદર અનૂભવોનું શબ્દમય વૃતાંત
🔅:-> મને ગમતું— મારી કાવ્યધારા.
ઉધડતા આભનું અંજવાળું અનેપ્રભાતના પહોરે પંખીઓનું— ગાણું, મને ગમતું.
ધરણીનો આલ્હાદક વાયરો અનેઢળતી સાંજનું ઝાલર —ટાણું, મને ગમતું.
તારલાથી ચમકતું આભ અનેમધરાતે ભજનમા વાગતું —વેણું, મને ગમતું.
ગા્રય માટીનું રહેઠાણ અનેકાચા ઘરને શોભતું માં’નું —લીપણું, મને ગમતુ.
ખેતરની મહેકતી ફોરમ અનેવાડી પૈયામાં ખવાતું ટાઢું —ભાણું, મને ગમતું.
પત્થરોની ગોદમાં પાકેલું પાણી અનેગામડાંનું નિર્ભેળ દેશી —ખાણું, મને ગમતું.
નાનકા વાછરુની સૌમ્યતા અનેઆંગણે શોભતી ગાવડીનું —ભાંભરણું, મને ગમતું.
મોભે રમતા પંખીડાં અનેનળીયા ચીરતું ઓસરીનું —ચાંદરણું, મને ગમતું.
ગાઢી છાશનું પીણું અનેશેડક્ઢયા દુધનું છલોછલ —બોઘરણું, મને ગમતું.
ચોગાનમાં વાવેલા ફૂલછોડ અનેએકડીયા ભણતા પાટીને —વતરણું, મને ગમતુ.
માખણના ધવલ પીંડા અનેગોરસની ગોળી ગજવતું —ઘમરણું, મને ગમતું.
સીમ—વગડાંમાં ભમવું અનેબાળસખા હાર્યે વિતાવેલું —રમણું, મને ગમતું.
જોબનવંતી છોરીની મ્હેક અનેસાથે ભણતી મુગ્ધાનું નશીલું—જોણું, મને ગમતું.
મેઘરવામાં નહાતી અવની અનેપ્રભાતફેરીએ હાલતા શ્રાવણનું —વ્હાણું, મને ગમતું.
ફૂલ—ગુલાબી મૌસમ અનેશીશીરની ટાઢ જીતવા ચુલાનું—તાપણું, મને ગમતું.
મીઠી સોબતનું મનન અનેયૌવનના ઊંબરે રંગો પુરતું —શમણું, મને ગમતુ.
મગફળીના લીલા ઓળા અનેધગધગતી રાખમાં ડોડાનું —બાફણું, મને ગમતું.
વેકેશનની લાંબી છુટ્ટી અનેમોસાળે મળતા મોંધા માનનુ—લ્હાણું, મને ગમતું.
વતનની મીઠી ખુશ્બો અનેહજીયે યાદ આવતું એ નિર્દોષ—બાળપણું, મને ગમતું.
📝— ગજેરા ભરત ડી.
મિત્રો, ઉપરની કવિતા ગ્રામીણ કથાવસ્તું પર બનેલી છે. એ કવિતાની સાદા શબ્દોમાં અહી સમજ આપવામાં આવી છે. એ સમયના ગ્રામીણ વાતાવરણનો રુબરુ અનુભવ માણવો હોય, તો નીચે આપેલું મજેદાર વર્ણન સાચેજ વાંચવું રહ્યું.
૧—જેમા પ્રથમ કડીથી શરુ કરીએ તો ગામડાંમાં વહેલી સવારે ચકલીઓના મોટાં—ઝુંડ જાણે સમુહમાં કોઈ ગીત ગાતા હોય, એમ ગામ ગજવતા ચીચીયારી પાડતા હોય. દરમિયાન પંખીઓની આવી ટોળીઓ અહીં થી તહીં ઊડાઊડ કરતી હોય. આ કુદરતી સંગીતના કારણે ગામડાનું વહેલી સવારનું શાંત વાતાવરણ અલૌકીકતા નો અહેસાસ કરાવતું મને હજીયે યાદ છે.
"પ્રભાતના પહોરે પંખીઓનુ મધુર ગાણું મને ગમતું."
૩— અમારા નાનકડાં હરીપુરા ગામમાં કોઈ પણની ઘરે ભજન હોય. એમા ગામની ભજનમંડળીના દસેક સભ્યો અચુક હાજર હોય. આ મંડળીના દરેક સભ્યો ગાવા—બજાવાના બંન્ને કાર્યમાં ડબલ માસ્ટર.! ભાંગતી રાતે ફળીયામાં સુતા આવા ભજનો મે અગણિત વખત સાંભળ્યા છે.
તારાજડીત ગગનમંડળ અને રાત્રીના બીજા પહોરમાં સંભળાતા અદ્ભુત પ્રાચીન ભજનો, આ ત્રણેય ના સંયોજન થકી એમ લાગતું કે ગામમાં કોઈ મોટો ઉત્સવ ચાલી રહ્યો હશે.!! (વેણુ—વાંસળી,) મધ્યરાત્રે ભજનમાં સુરમ્ય ઢબે વાગતી વાંસળી સૌ કોઈનું ચિત્તચોરવા જાણીતી છે.
૬— આપ સૌ જાણો છો. આજના શહેરનું ખાણું એટલે એમ કહી શકાય કે વાસી, ભેળસેળીયું અને સ્વાસ્થયનાશક ગણાય છે. પરંતું ગામડાંમાં હજુ પણ તાજા, શુધ્ધ અને સ્વાસ્થયવર્ધક ભોજનનો લાભ મળે છે. એક વાતતો બધા જાણે છે જ કે, હાલમાં હજી પણ શહેરમાં રહેતા આપણે સૌ —સૌરાષ્ટ્રના કોઇ ગામડાં જઈએ ત્યારે સામાન્યપણે દોઢો ખોરાક ખવાઈ જતો હોય છે. અને થાક કે કંટાળાનો લગીરેય અહેસાસ પણ જણાતો નથી હોતો.
એટલેજ કહ્યું કે, ગામડાંનુ નિર્ભેળ ખાણું મને ગમતું.
૭:-> ભારતમાં અનાદી કાળથી ગાય એટલે ઘરનું મોંઘેરુ ઘરેણું ગણાતી. મારા નાનપણના સમયે પણ ગામના ઘણાખરા ઘરોમાં ગાયો જોવા મળતી. એ સમયમાં ગોવાળ આખા ગામની ગાયોનું ધણ સીમમાં ચરાવા લઈ જતા એ મને યાદ છે. આખો દિવસ ચરાવીને સાંજે છએક વાગ્યે ગોધણ ગામમાં પાછુ ફરતું.
એ વખતે અમારા ગામમાં મોટે ભાગે દેશી તથા વઢીયારી ગાયો જોવા મળતી. જેમા દેશી એટલે રંગે રાતડી તથા ટુંકા અને જાડા શિંગો ધરાવતી ગાય, ઘણુંકરીને આવી દેશી ગાયો થોડી ધીરગંભીર સ્વભાવની હોય છે.
લાંબા અને અર્ધચંદ્રાકાર તિક્ષ્ણ શિંગડાં ધરાવતી વઢીયારી તેજતર્રાર અને થોડી તીખા સ્વભાવની હોય છે. અમારા ઘરે પણ આવી રુ જેવા સફેદ રંગની એક વઢીયારી ગાય હતી. તેનું હંભારવું ( ભાંભરણું ) મને ગમતું. એનો સ્વભાવ ઘણો આકરા પાણીએ હતો. અમારા માટે તો નહી, પણ ઘરના ફળીયામાં આવીને અમારી સામે જો કોઈ હાથ ઉગામે તો જોયા જેવી થાય.!
ગમ્મત ખાતર અમુક વખત અમારી શેરીના લોકો તેની પરીક્ષા કરતા. જેમા ગાય સામેજ અમારા ઘરના કોઇ વ્યકિત પર (ખાસ કરીને મારા કાકા પર) પડોશીઓ હાથ ઉગામે કે લડાઈની ક્રિયા કરે, તો એ જોઇને વઢીયારી ગાય ચિંકોટા અને ફુંફાડા મારતી ખિલો તોડી નાંખે એટલી હદે ક્રોધિત થઈ જતી. જો કે પેલો પરીક્ષા લેનાર ભાઈ તરત સામાન્ય સ્થિતિમાં ઉભો રહી જાય. નહીતર વઢીયારી સાચેજ ખિલ્લો તોડી નાંખે. અને પેલાભાઈના રામરમાડી નાંખતા વાર ના લાગે.
માલિક પ્રત્યે આવો અતુટ ભાવ ધરાવતી અમારી ગાવડી હતી. જેના બે બળદોનો અમે ખેતીકામમાં ઉપયોગ કરતા. બંન્ને બળદોમાં થી એકને વાછડાં થકી ઓળખતા, અને બીજાને ધોળીયો કહીં બોલાવતા.
પણ કમનશીબ કે ૧૯૮૭ ના કારમાં દૂષ્કાળના કારણે ગામમાંથી પશુધનનો સફાયો થઈ ગયો. કદાચ સૌરાષ્ટ્રના મોટા ભાગમાં આવીજ પરીસ્થિતિ હતી. ઢોરને ખવડાવવા ઘરમાં તણખલું ન મળે. લોકોને ના છુટકે પોતાના સંતાન સમા અબોલ પ્રાણીઓને વેચી કાઢવા સિવાય કોઈ આરો ના રહ્યો. અમે પણ એ વ્હાલી ગવતરીને બાજુના ગામના ગોવાળીયાને વગર રુપિયે સોંપી દિધી. ત્યારબાદ એ ગાય ત્યાંથી ભાગીને ત્રણેક દિવસ સુધી રોજ અમારી ડેલી સામે આવીને ભાંભરતી, વિસ્ફારીત આંખે જાણે અમને પુછતી હોય કે મારો શું વાંક ગૂન્હો હતો.?? ક્યાં કારણથી તમે આજે મને તરછોડી દીધી. ?? પણ અફસોસ કે એમને ખવડાવવા માટે અમારી પાસે કંઈ ન હતું. હજી પણ એ દ્રશ્ય યાદ આવતા મારુ મન રડી પડે છે.
વારંવાર પડતો આવો દુકાળ અને ખેતી પ્રત્યે સરકારનુ ઓરમાયું વર્તન, ઉનાળાના દિવસોમાં પિવાના પાણીના પણ ફાફા પડી જતા, આ દુષ્કાળ પછી લોકોને ખેતીમાંથી તેમજ તત્કાલિન સરકાર પરથી વિશ્વાસ ઘટી ગયો. અને ગામડામાંથી ધીમે ધીમે લોકો શહેર તરફ ભાગવા લાગ્યા.
વ્હાલી ગવતરીનુ ભાંભરણુ મને ગમતું.
૮ :-> કાચા રહેણાંક મકાનના દેશી નળીયાંમાં અમુક ઠેકાણે થોડી જગ્યા થઈ જવાના કારણે, સુરજનો સોનેરી તડકો એ કાણા મહીથી ગળાઈને ચાંદરડાં રુપે ઓસરીમાં પડતો હોય. આ પ્રકાશમાં જીણાં રજકણોના પરિભ્રમણના કારણે ઉભા પીળા શેરડાંનુ દૃશ્ય ખડુ કરે.! આ કારણે ઓસરી કે ઘરમાં પડતું ચાંદરણું અમારા બાળકો માનસમાં નવાઈ ઉપજાવે.!! સુર્યની ગતિ મુજબ ધીરે ધીરે ચાંદરણું પણ જગ્યા બદલતું અને અચરજ પમાડતું આગળ ચાલ્યા કરે.!
– નળીયા ચિરતું રમતિયાળ ચાંદરણુ મને ગમતું.
૯— શેડકઢ્યું એટલે તરતનું દોહેલું, ફિણ વળેલું અને હુંફાળું દુધ. શેડકઢ્યા આવા દુધનું છલોછલ ભરેલું બોઘરણું જોઈને જ મોમાં પાણી છૂટે,! આ હકીકત તો એ લોકોજ જાણે કે, જેમણે ગાય કે ભેંસનું, દોહીને તરત આવું દુધ પીધુ હોય. એનો સ્વાદ પણ કેવો ગળ્યોચટક લાગે,! ‘મનમાં એમ થાય કે હજીએ પીધા જ કરીએ.’! આ મધુર ચટાકો લાંબા વખત સુધી જીભ પર પોતાની આગવી અસર છોડતો જાય.
– શેડકઢ્યા દુધનુ છલોછલ બોઘરણું મને ગમતું.
૧૦— કોણ જાણે પણ, લખવું અને વાંચવું મને બચપણથી જ ખુબ ગમતું. એકડીયા ધોરણથી જ હોંશેહોશે નિશાળે ભણવા જતો. થેલીમાં એક પાટી અને લખવા માટે વતરણું હોય. એ વાત પણ સોળઆની સત્ય છે, કે બચપણથી જેમને લેખન— વાંચનમાં અધિક રસ હોય એમને પાટીને વતરણું ગમવું એ સર્વવિદીત છે.
૧૧— આંગળીમા ફાહ વાગે એવા ઘાટા દહીંથી ભરેલી ગોળીમાં, નેતરની લાંબી દોરીથી વલોણાને ફેરવતાં જે ઘુમ્મ... ઘુમ્મ...સરીખો મધુરો અવાજ આવતો એનીય મજા હતી.! કારણ ત્યારે અમારા ગામમાં ટીવી. ટેપ તો હતા નહીં, એટલેજ આવો તાલબધ્ધ અવાજ પણ અમને સંગીતથી પણ વિષેશ મીઠો લાગતો..!!
એટલેજ, ગોરસની ગોળી ગજવતું ઘમ્મરણું મને ગમતું.
૧૨— જુદા જુદા સમય પ્રમાણે ગામમાં ગણીને મારા નવેક પાકા જીગરજાન મિત્રો હતા. ( અને હજી પણ છે જ ) એ બાળગોઠીયા સાથે હસતા—રમતા જીવનભર યાદ રહે તેવા અણમોલ દિવસો માણ્યા, એ મારા માટે અવર્ણનિય છે. તેમની સંગાથે પત્થરના ગોળ રોડ ને પૈડા ફેરવવા તથા કુંડાળાથી માંડી ક્રિકેટ સુધીની ગામડા રમાતી રમતોનો અમે ભરપુર આનંદ લીધો છે.
આઠેક વરસની ઉમરે અમે નાનકડી ગરબી પણ બનાવી હતી. ગરબીને ચોકમાં પધારાવી અગડમ બગડમ દાંડીયે પણ રમ્યા છીએ. પાદરમાં પીપરનો કોલ ખાવા પણ દોડી જતા. કદીક બપોર વચ ના ગાળે ગામની નજીક રેઢી વાડીયોમાં, આંબલીના કોલની રજવાડી લ્હેજત પણ માણી છે. શિયાળે વળી બોર ખાવા સીમ—વગડાંમાંય નીકળી પડીએ. ગામના એ ચોરાના ઓટલે રાતે જામતી બેઠકો હજુય યાદ છે. (રમણું = રમત રમવી, ખેલવું, ભમવું )
૧૩— મુગ્ધાવસ્થા એટલે ૧૨ વર્ષ પછીની ઉમર ત્યારે સઘળું જગત જાણે રંગબેરંગી લાગતું હોય છે. ખાસ કરીને ભરપુર અંગબદન ને કાળાભમ્મર વાળ તથા મોટી આંખો વાળી ગામડાંની ગોરી કદાચ ભુલમાંય આપણી સામે જોઈ લ્યે,! તો શરીરમાં અનેરો રોમાંચ વ્યાપી જાય.! ‘આટલી વારમાં તો આપણા ટાટીયા જમીન ઉપર પડે છે કે, નહીં એય ખબર ના રહે.’ ! પહેલા નશા... પહેલા ખુમાર.. નયા પ્યાર હૈ..નયા ઈન્તઝાર
૧૪— શ્રાવણ મહીનામાં વહેલી પરોઢે અમારા ગામમાં પ્રભાતફેરી નીકળતી. જેમાં દસબાર વડીલો હોય, હું—મારો ભાઈ નરેશ અને બીજા સાતેક છોકરાઓ સામેલ હોય. આમ લગભગ વીસેક જણાંની મંડળી રામજી મંદીરથી તબલા અને મંજીરા સાથે ધુન ગાતા —ગાતા ગામ ફરતે પ્રદીક્ષણાં કરીએ. એ પ્રદીક્ષણા પથની એવી ગોઠવણ કરી હતી કે, જેમા ખોડીયાર મંદીર, રોકડીયા હનુમાનજી તથા શિવ મંદીરના દર્શનનો પણ લાભ મળી જાય. :-> એટલેજ કહ્યું કે, શ્રાવણનું વ્હાણું મને ગમતું. એક પ્રભાતિયામાં આવે છે કે, જાગોને જશોદાના જાયા વાણલા રે... વાયા.( વ્હાણું=વહેલી પરોઢ ) 🌌
સવારની એ ટાઢ સામે જીત મેળવવા ચુલ્હા પાસે તાપવાની એક અનેરી મજા હતી.! અને આવી આલ્હાદક મજાનો કદાચ આપને પણ અનુભવ હશેજ.
શિયાળાની કડકડતી ઠંડીથી બચવા ચુલાનુ તાપણુ મને ગમતું.
૧૬—યૌવન આવતા તો દુનિયામાં બધું મેઘધનુષી અગણિત રંગ સમુ દિસે. એ દરમિયાન આવતા અવર્ણનિય સોણલાનું અહી વર્ણન કરુ તો દોષ લાગે. ( શમણું= સ્વપ્ન )
ગરમાં ગરમ રાખમાં ડોડાનુ બાફણુ મને ગમતું.
૧૯—સાચેજ બાળપણ એટલે નિર્દોષતાથી ભરેલું જીવન. ના દુનિયાના રીતી —રીવાજની કોઈ પરવાહ કે ના નાતજાતના કોઇ વાડા. ના ઉંચનીચની કોઈ ભેદરેખા ના કોઈ બંધન. નર્યુ પ્રેમ, હેત, અને ભાવથી છલોછલ. કદાચ દુશ્મન પણ હેતથી બોલાવે તો તેની કને પણ દોડી જાય. બચપણ એટલે માત્ર હેત અને ભાવને માણવાની અવસ્થા. એમા ના હોય કોઈ ખટપટ કે ના હોય કાવાદાવા, હોય છે માત્ર નિર્ભેળ પ્રેમ.
અમુલ્ય બાળપણની મોંઘેરી યાદો મને આજીવન યાદ રહેશે.!!
Written:-> Bharat D. Gajera. Haripura.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you